ઑનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં ૨૦ મેએ કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળ

04 May, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન દવા લેવા પ્રિસ્ક્રિપ્શન ન હોય તો દરદીની ફિઝિકલ તપાસ કર્યા વગર જ ડૉક્ટર ફોન પર દવાનું નામ આપે છે એ પણ જોખમી

પ્રતીકાત્મક તસવીર

દવાઓના ઑનલાઇન વેચાણ સામે કેમિસ્ટ્સ અને ડ્રગિસ્ટ્સ અસોસિએશનો લાંબા સમયથી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી રહ્યાં હતાં, પણ તેમની રજૂઆત કાને ન ધરાતી હોવાથી આખરે તેમણે ૨૦ મેએ દેશવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશભરની અંદાજે ૧૨ લાખ મેડિકલની દુકાનો ૨૦ મેએ બંધ રહેશે.

કેમિસ્ટ્સ અને ડ્રગિસ્ટ્સની આ હડતાળ વિશે માહિતી આપતાં મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ અસોસિએશનના જનરલ સેક્રેટરી અનિલ નવાંદરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના વખતે દવાની હોમ ડિલિવરીની સુવિધા ચાલુ કરવામાં આવી હતી. જોકે હવે એની જરૂર નથી રહી. હવે અનેક જોખમી દવાઓ જે નશાખોરી માટે લેવાય છે એ ઑનલાઇન વેચાય છે. ખરું જોતા ઑનલાઇન દવા વેચાવી જ ન જોઈએ. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા કઈ રીતે લઈ શકાય? હવે દવાના ઑનલાઇન વેચાણમાં મલ્ટિનૅશનલ કંપનીઓ આવી ગઈ છે. તેઓ દવા બલ્કમાં ખરીદી લેતા હોવાથી દરદીઓને એ દવા હેવી ડિસ્કાઉન્ટમાં ઑફર કરે છે. અમે નાના દુકાનદારો એટલું ડિસ્કાઉન્ટ ન આપી શકીએ. આમાં ધીમે-ધીમે તેઓ હાલ હેવી ડિસ્કાઉન્ટ આપી દરદીને ઑનલાઇન દવા લેવાની આદત પાડશે અને ત્યાર બાદ ડિસ્કાઉન્ટ બંધ કરીને હેવી રકમ ચાર્જ કરશે. જો બધા જ ઑનલાઇન દવા લેવા માંડશે તો અમારો તો રોજગાર છીનવાઈ જશે.’ 

ઑનલાઇન કંપનીઓ જો દરદી પાસે પ્રિસ્ક્રિપ્શન ન હોય તો સામેથી ડૉક્ટરને તમારો નંબર આપે છે અને તે ડૉક્ટર તમને ફોન પર જ તમારી તબિયત અને સિમ્પટમ્સ પૂછીને દવાનું પ્રિસ્ક્રિપ્શન આપે છે પણ એમાં ઘણાં જોખમ છે. દરદીની ફિઝિકલ તપાસ કર્યા વગર જ તારણ પર આવી દવા સજેસ્ટ કરાય છે જે જોખમી છે એમ જણાવતાં અનિલ નવાંદરે વધુમાં કહ્યું હતું કે ‘દરદી સાચું બોલી રહ્યો છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? નશો કરનારા ખોટું બોલીને પણ રિસ્ટ્રિક્ટેડ દવાનું પ્રિસ્ક્રિપ્શન મેળવીને દવા લઈ શકે છે જે જોખમી છે. એથી ઑનલાઇન દવાનું વેચાણ બંધ કરવા સરકારને રજૂઆત કરવા અમે ૨૦ મેએ આખા દેશમાં એકસાથે સ્ટ્રાઇક કરવાના છીએ.’

national news india indian government mumbai news mumbai