02 June, 2025 12:39 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરીને તેમને દેશના સૌથી શક્તિશાળી અને મહેનતુ મુખ્ય પ્રધાન ગણાવ્યા છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
શનિવારે ચીફ જસ્ટિસ ગવઈએ અલાહાબાદ હાઈ કોર્ટ પરિસરમાં નવનિર્મિત ઍડ્વોકેટ ચેમ્બર અને મલ્ટિ-લેવલ પાર્કિંગ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમમાં કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને દેશના સૌથી શક્તિશાળી અને મહેનતુ મુખ્ય પ્રધાન ગણાવ્યા ત્યારે ચીફ જસ્ટિસ ગવઈએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે એ સ્પષ્ટ છે કે યોગીજી શક્તિશાળી છે, પરંતુ હું ઉમેરવા માગું છું કે આ અલાહાબાદ (પ્રયાગરાજ)ની ભૂમિ છે જે પોતે શક્તિશાળી લોકોની ભૂમિ રહી છે. આ પછી ચીફ જસ્ટિસે એક જસ્ટિસનું નામ લીધું અને કહ્યું કે મારા તે મિત્ર પણ દેશના સૌથી શક્તિશાળી ન્યાયાધીશ છે.
વકીલો માટે નવી સુવિધાઓ વિકસાવવામાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ભૂમિકાની ચીફ જસ્ટિસ ગવઈએ પ્રશંસા કરી હતી અને તેમનો આભાર માન્યો હતો.