ઈરાનના વિમાનમાં બૉમ્બની અફ‍વાથી ભારત અને ચીનમાં ભારે હડકંપ મચ્યો

04 October, 2022 08:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં લૅન્ડિંગની છૂટ આપવામાં ન આવી, ઇન્ડિયન ઍરફોર્સનાં સુખોઈ વિમાનોએ કર્યો પીછો અને સલામત રીતે ભારતીય સરહદની બહાર લઈ ગયાં

ઈરાનના વિમાનને ભારત બહાર લઈ જનાર સુખોઈ વિમાન

ઈરાનના એક પૅસેન્જર વિમાનમાં બૉમ્બ હોવાની અફવાને કારણે ભારતથી માંડીને ચીન સુધી ભારે હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે આખરે આ વાત ખોટી સાબિત થઈ હતી તેમ જ વિમાનને ચીનના ગ્વાંગઝુમાં સુરક્ષિત રીતે લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઈરાનની ઍરલાઇન્સ મહાન ઍરનું વિમાન તહેરાનથી ગ્વાંગઝુ જવાનું હતું. સોમવારે સવારે લાહોર એટીસી દ્વારા ઈરાનના વિમાનમાં બૉમ્બ હોવાની સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ ઈરાનના વિમાને દિલ્હીમાં લૅન્ડ કરવાની મંજૂરી માગી હતી. પાકિસ્તાન દ્વારા બૉમ્બની ધમકીની સૂચનાઓ મળ્યા બાદ ભારતીય સુરક્ષા એજન્સી અલર્ટ મોડમાં આવી ગઈ હતી તેમ જ આ વિમાનને દિલ્હીમાં લૅન્ડ કરવાની મંજૂરી આપવામાં નહોતી આવી. મહાન ઍરલાઇન્સ વિમાનના પાઇલટ દિલ્હીમાં જ એને લૅન્ડ કરાવવા માગતો હતો. ભારત દ્વારા આ વિમાનને જયપુર કે પછી ચંડીગઢમાં લૅન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ પાઇલટે બન્ને પૈકી કોઈ પણ ઍરપોર્ટ પર વિમાનને ડાઇવર્ટ કરવાની ના પાડી હતી.

તેહરાનથી આવી જાણકારી
થોડાક સમય બાદ તેહરાનથી ભારતને એવી સૂચના આપવામાં આવી કે બૉમ્બની ખબર ખોટી છે, એને અવગણવામાં આવે. જોકે તેહરાનમાંથી ફોન આવે એ પહેલાં ઇન્ડિયન ઍરફોર્સનાં સુખોઈ વિમાન એક ચોક્કસ અંતર જાળવી ઈરાનના વિમાનનો પીછો કરી રહ્યાં હતાં. બૉમ્બની અફવા ખોટી હોવાના સમાચાર બાદ ઍૅરફોર્સે વિમાનને પોતાના હવાઈ ક્ષેત્રથી બહાર મૂકી આવ્યા હતા. ત્યાર બાદ ઈરાનનું પૅસેન્જર વિમાન ચીનની દિશામાં આગળ વધી ગયું હતું.  ત્યાર બાદ એવી સૂચના આવી કે ઈરાનના વિમાને ચીનના ગ્વાંગઝુમાં લૅન્ડિંગ કર્યું હતું. જોકે આ વિમાન જ્યાં સુધી ભારતની સરહદ પર હતું ત્યાં સુધી એના પર સતત નજર રાખવામાં આવી હતી. 

ઍરલાઇન્સનો ખુલાસો
સમગ્ર ઘટનાક્રમને લઈને મહાન ઍરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ઍૅરબસ ૩૪૦માં બૉમ્બની અફવાઓ ઊડી હતી, જે તેહરાનથી ચીનના ગ્વાંગઝુમાં જઈ રહ્યું હતું. પાઇલટને બૉમ્બની અફવા વિશે ખબર પડતાં તેણે તુરત ઍરલાઇન્સના ઑપરેશન કન્ટ્રોલ સેન્ટર સાથે સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ખબર પડી હતી કે બૉમ્બની અફવા ખોટી હતી. એવું લાગે છે કે કોઈકે સુરક્ષા અને શાંતિનો ભંગ કરવાના હેતુથી આવી અફવા ઉડાવી હતી.’ 

national news iran china india