આતંકવાદીઓ દ્વારા કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનને મારી નાખવાની ધમકી મળી

02 September, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાથી પક્ષના નેતાઓનાં રાજીનામાં માગ્યા બાદ અજ્ઞાત પત્રમાં ધમકી મળતાં ગૃહમંત્રાલય પાસે સુરક્ષા વધારવાની માગણી કરવામાં આવી

ચિરાગ પાસવાન

કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રધાન ચિરાગ પાસવાનને એક અજ્ઞાત પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળી છે. આ પત્રમાં આતંકવાદીઓ દ્વારા ટૂંક સમયમાં હત્યા કરવાની ધમકી આપવામાં આવતાં સુરક્ષા-એજન્સીઓ દોડતી થઈ છે. આ મામલે ચિરાગ પાસવાનના ઍડિશનલ પ્રાઇવેટ સેક્રેટરીએ ગૃહસચિવ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને બિહાર સરકારને પત્ર લખીને તાત્કાલિક તપાસ કરવાની અને સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરીને એને વધુ મજબૂત બનાવવાની માગણી કરી છે. હાલમાં ચિરાગ પાસવાન દેશવ્યાપી ઝેડ કૅટેગરીની સુરક્ષા હેઠળ છે.
આ ધમકીભર્યા પત્રમાં બે મોબાઇલ-નંબર પણ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ૩૦ ઑગસ્ટે ચિરાગ પાસવાને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના સહયોગી પક્ષ હિન્દુસ્તાની અવામ મોરચાના સ્થાપક અને કેન્દ્રીય પ્રધાન જિતનરામ માંઝી તથા તેમના પુત્ર અને બિહારના પ્રધાન સંતોષ કુમાર સુમનનાં રાજીનામાંની માગણી કરી હતી. અનુસૂચિત જાતિના આરક્ષણની સમીક્ષા કરવાની માગણી સામે પાસવાને આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ રાજકીય વિવાદ વચ્ચે અચાનક ધમકી મળતાં રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.        

chirag paswan political news indian politics news national news