01 October, 2026 08:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
IAFના નિવૃત્ત ઑફિસર અનુપ વર્માએ આ તસવીર શૅર કરીને રાહુલ ગાંધી અને અજમલ કબસની સરખામણી કરી હતી.
ઇન્ડિયન ઍરફોર્સ (IAF)ના નિવૃત્ત ફ્લાઇટ લેફ્ટનન્ટ અનુપ વર્માએ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના દોષી અજમલ કસબ સાથે સરખામણી કરતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકી હતી. આ પોસ્ટ પછી ભારે હોબાળો મચ્યો હતો. મંગળવારે અનુપ વર્માએ સોશ્યલ મીડિયા પર રાહુલ ગાંધી અને કસબનો એક કોલાજ બનાવીને શૅર કર્યો હતો. એમાં બન્ને પીઠ પર બૅગ લટકાવેલા જોવા મળે છે. સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘હું પૂરી ખાતરી સાથે કહી શકું છું કે ડાબી બાજુ દેખાતી વ્યક્તિ ભારત માટે ઘણી વધુ જોખમી છે.’
ડાબી તરફ રાહુલ ગાંધીની તસવીર હતી. દેશના બંધારણીય પદ પર બેઠેલા વિપક્ષના નેતાની તુલના ખૂંખાર આતંકવાદી સાથે કરવામાં આવતાં કૉન્ગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા. કૉન્ગ્રેસ સેવા દળના લીગલ સેલે આ બાબતે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સંગઠને સ્પષ્ટતા કરી હતી કે ‘કૉન્ગ્રેસ અને એના નેતાઓને બદનામ કરવાની આ ચેષ્ટા સાંખી નહીં લેવાય. આવા કૃત્યને અમે ભારતીય ન્યાય સંહિતા અને સંબંધિત સાઇબર લૉ અંતર્ગત કોર્ટમાં પડકારીશું.’