18 May, 2025 11:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મીડિયા સાથે વાત કરતા શશી થરૂર.
ઑપરેશન સિંદૂર પછી આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા માટે ભારત આવતા અઠવાડિયાથી વિદેશમાં ૭ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું છે. આ માટે સરકારે લોકસભામાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસને નામ મોકલવા જણાવ્યું હતું. એમાં કૉન્ગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નસીર હુસૈન અને રાજા બ્રારનાં નામ મોકલ્યાં હતાં. જોકે કેન્દ્ર સરકારે તિરુવનંતપુરમના કૉન્ગ્રેસના સંસદસભ્ય ડૉ. શશી થરૂરની પસંદગી કરી હતી જેનો હવે કૉન્ગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.
અમિત માલવીયએ ટોણો માર્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેલના વડા અમિત માલવીયએ કૉન્ગ્રેસના લિસ્ટમાં શશી થરૂરનું નામ ન હોવાને મુદ્દો બનાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે કૉન્ગ્રેસના લિસ્ટમાં શશી થરૂરનું નામ શા માટે નહોતું? આ મુદ્દે તેમણે કરેલી પોસ્ટમાં અમિત માલવીયએ લખ્યું હતું કે ‘શશી થરૂરની વક્તૃત્વ-ક્ષમતા, યુનાઇટેડ નેશન્સના અધિકારી તરીકેનો તેમનો લાંબો અનુભવ અને વિદેશનીતિના મુદ્દાઓ પર તેમની ઊંડી સમજને કોઈ નકારી શકે નહીં. શા માટે કૉન્ગ્રેસે અને ખાસ કરીને રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિ સમજાવવા માટે વિદેશ મોકલવામાં આવતા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ માટે તેમનું નામ મોકલ્યું નથી? શું આ અસુરક્ષા છે, ઈર્ષા છે કે પછી હાઈ કમાન્ડથી સારી દેખાતી કોઈ વ્યક્તિ પ્રત્યે અસહિષ્ણુતા છે?’
આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સના દેશના મજબૂત સંદેશને દુનિયા સુધી પહોંચાડવા માટે ભારત સરકાર મુખ્ય વૈશ્વિક રાજધાનીઓમાં ૭ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલશે. જે ૭ પ્રતિનિધિમંડળ જશે એનું નેતૃત્વ કૉન્ગ્રેસના શશી થરૂર, BJPના નેતાઓ રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, જનતા દળ (યુનાઇટેડ) (JDU)ના સંજય કુમાર ઝા, દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)નાં કનિમોઝી કરુણાનિધિ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-NCP)નાં સુપ્રિયા સુળે અને શિવસેના (શિંદે જૂથ)ના શ્રીકાંત શિંદે કરશે.
જયરામ રમેશે શું કહ્યું?
કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશના જણાવ્યા મુજબ કેન્દ્રીય સંસદીય પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે કૉન્ગ્રેસને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સમાવેશ માટે ૪ નામ સૂચવવાની વિનંતી કરી હતી. બપોર સુધીમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ વતી ચાર નામ મોકલ્યાં હતાં જેમાં ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન આનંદ શર્મા, લોકસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર ગૌરવ ગોગોઈ, રાજ્યસભાના સંસદસભ્ય ડૉ. સૈયદ નસીર હુસૈન અને લોકસભાના સંસદસભ્ય રાજા બ્રારનો સમાવેશ હતો.
કૉન્ગ્રેસ અને શશી થરૂર વચ્ચે ટકરાવ?
શશી થરૂરનો કૉન્ગ્રેસ પક્ષ સાથેનો સંબંધ ઉતાર-ચડાવથી ભરેલો રહ્યો છે. ક્યારેક તેઓ પાર્ટી સાથે જોવા મળે છે તો ક્યારેક તેમનો અલગ મત હોય છે. શશી થરૂરે પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂરની પ્રશંસા કરી હતી. સરકારનાં વખાણ કરવા બદલ BJPના નેતાઓએ તેમની પ્રશંસા કરી હતી, પણ કૉન્ગ્રેસમાં જ કેટલાક લોકો તેમનાથી નારાજ છે. પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે શશી થરૂરે હદ પાર કરી દીધી છે. ૨૦૧૪માં તેમને પાર્ટી-પ્રવક્તાના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ૨૦૨૦માં તેમને G-23 જૂથમાં સામેલ કરવામાં આવ્યા હતા. G-23 કૉન્ગ્રેસના એ વરિષ્ઠ નેતાઓનું જૂથ હતું જેણે પાર્ટીમાં મોટા ફેરફારોની માગણી કરી હતી. G-23ના ઘણા નેતાઓ હવે પાર્ટી છોડી ચૂક્યા છે. ૨૦૨૨માં થરૂર કૉન્ગ્રેસના અધ્યક્ષપદ માટે મલ્લિકાર્જુન ખડગે સામે ચૂંટણી લડ્યા હતા. ખડગેને ગાંધીપરિવારનો ટેકો હતો છતાં થરૂરને ૧૦૦૦થી વધુ મત મળ્યા હતા.
પાંચ દેશમાં જનારા ડેલિગેશનનું નેતૃત્વ કરશે શશી થરૂર
કૉન્ગ્રેસના નેતા શશી થરૂર અમેરિકા, પનામા, કૅનેડા, બ્રાઝિલ, કોલંબિયા જઈ રહેલા ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેઓ યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલના મેમ્બર દેશો સમક્ષ ઑપરેશન સિંદૂર પછી ભારતનો પક્ષ રજૂ કરશે. તેમની ટીમમાં સામેલ સંસદસભ્યોમાં શામ્ભવી ચૌધરી, સરફરાઝ અહમદ, સુદીપ બંદોપાધ્યાય, હરીશ બાલયોગી, શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કાલિતા, મિલિંદ દેવરા અને અમેરિકામાં ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુનો સમાવેશ છે. આ પ્રતિનિધિમંડળના સંપર્ક અધિકારી વરુણ જેફ રહેશે.
રાષ્ટ્રીય હિતની વાત હોય અને મારી જરૂર હોય ત્યારે હું પાછળ નહીં પડું
નરેન્દ્ર મોદીએ મોટી જવાબદારી સોંપી એ બદલ આભાર માનીને શશી થરૂરે કહ્યું...
શશી થરૂરે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં તેમને લીડર બનાવવા માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘આમંત્રણથી હું સન્માનિત થયો છું. મને ગર્વ છે કે ભારત સરકારે મને આપણા દેશનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે પાંચ મુખ્ય રાજધાનીઓમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યું છે. જ્યારે રાષ્ટ્રીય હિત સામેલ હોય અને મારી સેવાઓની જરૂર હોય ત્યારે હું પાછળ રહીશ નહીં. મારી પાર્ટીના નેતૃત્વને મારી યોગ્યતા કે કમીઓ વિશે પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે અને મને લાગે છે કે આ વાસ્તવમાં તેમણે જ સમજાવવાનું છે. આ મુદ્દે મારે કોઈ કમેન્ટ કરવી નથી. મને જે જવાબદારી સોંપવામાં આવી છે એને હું પૂર્ણ કરીશ.’