13 June, 2026 09:38 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના નેતા નાના પટોલે
તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)માં ચાલી રહેલા આંતરિક સંકટ વચ્ચે રાજકીય વર્તુળોમાં જૂની કૉન્ગ્રેસમાંથી અલગ થયેલા પ્રાદેશિક પક્ષો ફરી મુખ્ય પક્ષમાં જોડાશે એવી અટકળો તેજ થઈ છે. કૉન્ગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે વિલયની વાતોને અફવા ગણાવીને ફગાવી દીધી છે, પરંતુ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના નેતા નાના પટોલેએ દાવો કર્યો છે કે સમાન વિચારધારા ધરાવતા પક્ષો કૉન્ગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. નાના પટોલેએ પત્રકારોને જણાવ્યું હતું કે મમતા બૅનરજી અને શરદ પવાર કૉન્ગ્રેસ સાથે ગઠબંધન નહીં પરંતુ વિલય માટે મન બનાવી રહ્યાં છે. દેશમાં મતોનું મોટું વિભાજન રોકવા માટે શરદ પવાર તરફથી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે શરૂ પણ થઈ ચૂકી છે.
આ પહેલાં શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ નાના પક્ષોને કૉન્ગ્રેસ સાથે જોડાવાની અપીલ કરી હતી, જેને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ રહસ્યમય વલણ અપનાવીને નકારી નહોતી. બીજી તરફ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે પણ તમામ પ્રાદેશિક પક્ષોને રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારી કૉન્ગ્રેસમાં પાછા ફરવાનો આગ્રહ કર્યો છે જેથી દેશમાં વિપક્ષનો એક સ્પષ્ટ સંદેશ જાય. નોંધનીય છે કે આ અઠવાડિયે મમતા બૅનરજીની સોનિયા ગાંધી સાથે અને અભિષેક બૅનરજીની રાહુલ ગાંધી સાથે મહત્ત્વની બેઠકો થઈ છે. જોકે કૉન્ગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિલયનો કોઈ પણ સત્તાવાર પ્રસ્તાવ પ્રાદેશિક પક્ષો તરફથી જ આવવો જોઈએ.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિરોધ પક્ષોના સંભવિત એકત્રીકરણ અને વિલયની અટકળો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કૉન્ગ્રેસને ‘ડૂબતું જહાજ’ ગણાવતાં સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ સમજદાર પ્રાદેશિક પક્ષ એમાં સવાર થવાનું પસંદ નહીં કરે. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે જો તમામ વિરોધ પક્ષો એક થઈને કૉન્ગ્રેસમાં ભળી જશે તો એનાથી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે દેશના રાજકારણમાં પોતાની પકડ મજબૂત કરવા માટે વધુ પૉલિટિકલ સ્પેસ ઉપલબ્ધ થશે.
મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન ફડણવીસને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) અને શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના કૉન્ગ્રેસ સાથેના સંભવિત વિલય વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ એક ડૂબતું જહાજ છે અને કોઈ પણ વ્યક્તિ ક્યારેય ડૂબતા જહાજમાં પગ મૂકે નહીં, પરંતુ જો કોઈ વિપક્ષ આવું જોખમ ખેડવા માગતો હોય તો એમાં BJPએ ગુમાવવાનું કાંઈ નથી.’