28 November, 2026 03:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૩૦ નવેમ્બરે શરૂ થઈ રહેલા સંસદના સત્ર પહેલાં શુક્રવારે ૨૭ નવેમ્બરે કૉન્ગ્રેસ સંસદીય દળનાં ચૅરપર્સન સોનિયા ગાંધીના નિવાસસ્થાને સંસદસભ્યોની બેઠક યોજાઈ હતી. એમાં કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં સીમાંકન અને લોકસભાની ૫૦ ટકા બેઠકો વધારવા વિશે પક્ષનું વલણ નક્કી કરાયું હતું.
કૉન્ગ્રેસે ત્રણ મુખ્ય માગણી રજૂ કરતાં કહ્યું કે લોકસભાની વર્તમાન સંખ્યા જાળવી રાખવામાં આવે, વર્તમાન બેઠકોના આધારે જ મહિલા અનામત આપવામાં આવે અને આગામી ૨૫ વર્ષ સુધી રાજ્યો વચ્ચે બેઠકોની હાલની ફાળવણી યથાવત્ રાખવામાં આવે. બેઠક બાદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે સરકાર સીમાંકન બિલ પાછું લાવવા પ્રયાસ કરી રહી છે. શનિવારે ખડગેના નેતૃત્વમાં વિપક્ષોની બેઠક યોજાશે, જેમાં એમ. કે. સ્ટૅલિન અને શરદ પવાર જૂથને બોલાવાશે, જોકે શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ બિલને સમર્થન જાહેર કર્યું છે.
કૉન્ગ્રેસે આરોપ મૂક્યો કે BJP સીમાંકન દ્વારા સંખ્યાબળ વધારી બંધારણ બદલવા માગે છે અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ હવે ક્યાં કોણ મત આપશે એ નક્કી કરવા માગે છે.