✕

ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના ડિરેક્ટર જનરલ શત્રુજિત કપૂરે ચોંકાવનારી વાત કહી

24 October, 2026 10:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અરુણાચલ પ્રદેશની સરહદ પર અનેક સ્થળોએ ચીની સૈનિકો સાથે ઘર્ષણ યથાવત‍્, સૈન્ય-તાકાતમાં ચીન આગળ, જૂની પદ્ધતિથી મુકાબલો મુશ્કેલ

ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)ના ડિરેક્ટર જનરલ (DG) શત્રુજિત કપૂર

ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)ના ડિરેક્ટર જનરલ (DG) શત્રુજિત કપૂરે જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશની સરહદ પર અનેક સ્થળોએ ચીની સૈનિકો સાથે ઘર્ષણની સ્થિતિ યથાવત્ છે. અરુણાચલની ઉત્તર-પૂર્વીય સરહદ પર ચાલી રહેલા આ ઘર્ષણ વિશેની આ પ્રથમ સત્તાવાર પુષ્ટિ છે, જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પરિસ્થિતિ વધુને વધુ તંગ બની છે. 

રાજસ્થાનના અલવરમાં ITBP કર્મચારીઓ માટેની સેન્ટ્રલ ટ્રેઇનિંગ કૉલેજમાં હિમવીર સન્માન સમારોહમાં બોલતાં શત્રુજિત કપૂરે ગુરુવારે જણાવ્યું હતું કે ‘આપણી શૌર્ય પ્લૅટૂન પણ ઉત્તમ કાર્ય કરી રહી છે. આપણી શૌર્ય કમાન્ડો ટીમોએ ત્યાં ઘણું સારું કામ કર્યું છે. આ પણ એક નવી પહેલ હતી. ITBPની શરૂઆતમાં એક પર્વત ગેરિલા દળ તરીકે સ્થાપના કરવામાં આવી હતી. ૨૦૦૪થી આપણે પરંપરાગત બૉર્ડર ગાર્ડિંગ ફોર્સ તરીકે સમગ્ર ચીન સરહદને સંભાળી રહ્યા છીએ. છેલ્લા કેટલાક મહિનામાં અરુણાચલ પ્રદેશમાં ચીની અને ભારતીય સૈનિકો સામસામે આવી ગયા છે. ઘણી વખત અથડામણ થઈ છે અને આ હજી પણ ચાલુ છે. સૈન્ય-તાકાતમાં ચીન આપણા કરતાં આગળ છે જેના કારણે જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરીને એનો સામનો કરવો મુશ્કેલ બની રહ્યો છે.’ 

જુલાઈના અંતથી અરુણાચલ પ્રદેશના ઉપલા સુબનસિરી જિલ્લાના અસાફિલા અને માજા વિસ્તારોમાં તનાવ ચાલુ છે. ભારતે સરહદ પર એની તહેનાતી પણ વધારી દીધી છે. જુલાઈથી બન્ને દેશો વચ્ચે ૩ ઉચ્ચ સ્તરીય બેઠકો થઈ છે, પરંતુ તનાવ યથાવત્ છે. 

કૉન્ગ્રેસે સરકાર પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો

કૉન્ગ્રેસના સંસદસભ્ય જયરામ રમેશે સરકાર પર આ અથડામણો પર મૌન રહેવાનો આરોપ લગાવતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ૨૦૨૦ની ૧૯ જૂને વડા પ્રધાને  ચીનને આપેલી કુખ્યાત ક્લીન ચિટની કિંમત ભારત ચૂકવી રહ્યું છે. કૉન્ગ્રેસના સંસદસભ્ય જે.બી. માથેરે પણ કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ITBPના DGના મતે આ ઘટનાઓ જુલાઈ મહિનાથી થઈ રહી છે, પરંતુ દેશને ઑક્ટોબરમાં આ વિશે ખબર પડી છે.

૨૦૨૦માં ગલવાન ખીણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ 

૨૦૨૦ની ૧૫ જૂને ચીને એક કવાયતના બહાને પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં સૈનિકો તહેનાત કર્યા હતા. ત્યાર બાદ અનેક સ્થળોએ ઘૂસણખોરીની ઘટના બની હતી. ભારત સરકારે પણ ચીન જેટલા જ સૈનિકો આ વિસ્તારમાં તહેનાત કર્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે LAC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ સમયગાળામાં ગલવાન ખીણમાં ચીની સેના સાથેની અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ભારતે પાછળથી જોરદાર જવાબ આપ્યો હતો જેમાં લગભગ ૬૦ ચીની સૈનિકો માર્યા ગયા હતા.

સરકારે શું કહ્યું?

અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણ ચાલુ હોવાની ITBPના DG શત્રુજિત કપૂરે પુષ્ટિ કર્યા બાદ કેન્દ્ર સરકારે પ્રતિક્રિયા આપી હતી. આ મુદ્દે વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે ‘જ્યારે ચીની દળો પૅટ્રોલિંગની નિર્ધારિત પદ્ધતિથી ભટકી જાય છે ત્યારે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ સમયાંતરે અશાંત બની જાય છે. બન્ને પક્ષો આવા મુદ્દાઓના ઉકેલ માટે અને સરહદ-વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સૈન્યસ્તરની વાતચીત ચાલુ રાખી રહ્યા છે. સારા દ્વિપક્ષીય સંબંધો માટે શાંતિ જરૂરી છે.’

indian army arunachal pradesh china indian government congress national news