બૅન્કની ઑનલાઇન સિસ્ટમ હૅક કરીને ૩.૭ કરોડ સેરવી લેવાયા

14 February, 2025 12:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચંદ્રપુરની આ ઘટનામાં હૅકરે વીક-એન્ડમાં બૅન્ક જ્યારે બંધ હતી ત્યારે ૩૩ ટ્રાન્ઝૅક્શન કરીને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા : જોકે એમાંથી ૧.૩૨ કરોડ રૂપિયા ફ્રીઝ કરાવવામાં પોલીસને સફળતા મળી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડનું સર્વર હૅક કરી કોઈ ગઠિયાએ મંગળવારે બૅન્કના ૩.૭ કરોડ રૂપિયા સેરવી લીધા હતા. બૅન્કને આ વિશે જાણ થતાં સાઇબર પોલીસની મદદ લેવામાં આવી હતી. સાઇબર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ૧.૩૧ કરોડ બચાવી લીધા હતા.

આ બૅન્ક વીક-એન્ડમાં બંધ રહેતી હોવાથી સાઇબર ગઠિયાએ બૅન્કની સિસ્ટમ હૅક કરી શુક્રવાર ૭ ફેબ્રુઆરીથી સોમવાર ૧૦ ફૅબ્રુઆરી વચ્ચે અનઑથોરાઇઝ્ડ રીતે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટનાં કુલ ૩૩ ટ્રાન્ઝૅક્શન્સ કરી ૩,૭૦,૬૪,૭૪૨ની રકમ સેરવી લીધી હતી. આ રકમ નોએડાની બીજી બૅન્ક અને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી. બૅન્કને આ વિશે જાણ થતાં સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. એ પછી તરત જ સાઇબર પોલીસની મદદ લેવામાં આવી હતી જેમણે નોડલ ઑ​ફિસર સાથે વાત કરીને આ રકમમાંથી ૧,૩૧,૯૯,૩૧૯ રૂપિયા ફ્રીઝ કરાવવામાં સફળતા મેળવી હતી. હવે બાકીની રકમ કયાં-કયાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવી અને ક્યાંથી કાઢવામાં આવી એ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

બૅન્કનું સર્વર હૅક કરીને પણ રૂપિયા સેરવી લેવામાં આવ્યા હોવાની માહિતી અકાઉન્ટહોલ્ડરોને મળતાં તેઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

cyber crime noida national news news new delhi