19 November, 2025 10:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલી એક ઑફિસ પર ગઈ કાલે છાપામારી દરમ્યાન પોલીસ અને સુરક્ષા દળો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની ટીમે ગઈ કાલે વહેલી સવારે સવાપાંચ વાગ્યે અલ ફલાહ યુનિવર્સિટીના ઓખલા મુખ્યાલય અને એની સાથે સંકળાયેલા પચીસ ટ્રસ્ટીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. દિલ્હી અને ફરીદાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હી વિસ્ફોટમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસની સાથે EDએ મની-લૉન્ડરિંગની તપાસ માટે કેસ નોંધ્યો હતો. અલ ફલાહ યુનિવર્સિટીના કામકાજમાં ઘણી ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે જેની તપાસ એજન્સીઓ કરી રહી છે.
દિલ્હીના લાલ કિલ્લા નજીક બૉમ્બવિસ્ફોટ કરનારા ડૉ. ઉમર નબી, ડૉ. મુઝમ્મિલ શકીલ, ડૉ. શાહીન અને ડૉ. આદિલ અહેમદ આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ઘણા ડૉક્ટરો પણ આ નેટવર્કનો ભાગ હતા.
શેલ કંપનીઓને શોધી કાઢવામાં આવી
આ કાર્યવાહી જૂથ સાથે સંબંધિત નાણાકીય અનિયમિતતાઓ, શેલ કંપનીઓના ઉપયોગ, બેનામી વ્યવહારો અને મની-લૉન્ડરિંગની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર અલ ફલાહ ટ્રસ્ટ અને અનેક સંબંધિત સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ-એજન્સીઓએ જૂથના નાણાકીય બાબતો માટે જવાબદાર લોકોનો પણ સંપર્ક કર્યો છે.
એક જ સરનામે ૯ શેલ કંપનીઓ
દરોડામાં અધિકારીઓએ જૂથ સાથે જોડાયેલી ૯ શંકાસ્પદ શેલ કંપનીઓની પ્રવૃત્તિઓની તપાસ કરી હતી. પ્રારંભિક તપાસમાં શેલ કંપનીની કામગીરી તરફ ઇશારો કરતા અનેક દાખલા બહાર આવ્યા છે. જાહેર કરાયેલી ઑફિસમાં કોઈ સ્ટાફ નહોતો. વીજળી કે પાણીનો ઉપયોગ નહોતો થઈ રહ્યો. વિવિધ કંપનીઓમાં એક જ મોબાઇલ નંબર અને ઈ-મેઇલનું સરનામું ઉપયોગમાં લેવાતું હતું. કાગળ પર મોટા વ્યવસાય દર્શાવવામાં આવ્યા હોવા છતાં કોઈ રેકૉર્ડ મળ્યા નથી. ઘણી કંપનીઓના ડિરેક્ટરો સમાન હતા. બૅન્ક-ખાતાંઓમાંથી ફક્ત નજીવા પગાર ચૂકવવામાં આવતા હતા. હ્યુમન રિસોર્સ રેકૉર્ડ લગભગ અસ્તિત્વમાં નહોતા. કંપનીઓની રચના, સમયરેખા અને વિગતો સમાન હતી.
યુનિવર્સિટીનાં સ્થાપક ફરાર
તપાસ-એજન્સીઓએ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દીકીને બે વાર સમન્સ પાઠવ્યા છે, પરંતુ તે હજી સુધી હાજર થયો નથી. સિદ્દીકીને નાણાકીય છેતરપિંડીના આરોપસર જેલની સજા થઈ ચૂકી છે.