19 November, 2025 10:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. શાહીન
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ફરીદાબાદ મૉડ્યુલની મુખ્ય મેમ્બર ડૉ. શાહીન પાસેથી તેના ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે. દરેક પાસપોર્ટ પર અલગ-અલગ ઍડ્રેસ અને અલગ-અલગ ગાર્ડિયન છે. તપાસ-એજન્સીઓ હવે તેની વિદેશયાત્રાઓની વિગતો પણ તપાસી રહી છે. આ પાસપોર્ટનો ઉપયોગ કરીને તેણે ત્રણ વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૯૯૬થી તેને કુલ ત્રણ પાસપોર્ટ આપવામાં આવ્યા હતા, જેમાં દરેકનાં સરનામાં અલગ હતાં. ત્રીજા પાસપોર્ટનો ઉપયોગ કરીને તે થાઇલૅન્ડ ગઈ હતી અને સાઉદી અરેબિયા તથા યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં કામ કર્યું હતું, જ્યાં તેનો JeM સાથે સંબંધ હોવાની શંકા છે. શાહીને ૨૦૨૫માં ૨૦૨૬ સુધીનો માન્ય પાસપોર્ટ રિન્યુ કરાવ્યો અને પછી ફરીથી સરનામું બદલ્યું હતું. વારંવાર સરનામાંમાં ફેરફાર અને પાસપોર્ટની અવધિ સમાપ્ત થતાં પહેલાં એનાં રિન્યુઅલ કરવામાં આવતાં તપાસ વધુ પેચીદી બની છે.
પહેલો પાસપોર્ટ : ૧૯૯૬થી ૨૦૦૬
શાહીને ૧૯૯૬માં તેણે પહેલો પાસપોર્ટ મેળવ્યો હતો. એનું સરનામું કંધારી બજાર, કૈસરબાગ, લખનઉ હતું. એ સમયે તે મેડિકલનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી અને સામાન્ય મુસાફરી અને શૈક્ષણિક હેતુઓ માટે પાસપોર્ટનો ઉપયોગ કરતી હતી. આમાં ગાર્ડિયન તરીકે તેના પિતાનું નામ હતું.
બીજો પાસપોર્ટ : ૨૦૦૬થી ૨૦૧૬
પહેલા પાસપોર્ટની મુદત પૂરી થયા પછી તેણે ૨૦૦૬માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો. આ વખતે સરનામું બદલીને GSVM મેડિકલ કૉલેજ, કાનપુર કરવામાં આવ્યું હતું. આ સરનામું તેના મેડિકલ અભ્યાસ અને તાલીમ દરમ્યાન તેના દસ્તાવેજમાં ઉપયોગમાં લેવાતું હતું. આ પાસપોર્ટમાં ગાર્ડિયન તરીકે તેના પતિનું નામ હતું.
ત્રીજો પાસપોર્ટ : ૨૦૧૬થી ૨૦૨૬
બીજા પાસપોર્ટની મુદત પૂરી થાય એ પહેલાં શાહીને ત્રીજો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્રીજા પાસપોર્ટ પરનું સરનામું ફરીથી બદલવામાં આવ્યું, જે તેના ભાઈ પરવેઝના લખનઉના ઘરને દર્શાવે છે. આ પાસપોર્ટનો ઉપયોગ કરીને શાહીન થાઇલૅન્ડ ગઈ અને પછી લગભગ બે વર્ષ સુધી સાઉદી અરેબિયામાં કામ કર્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું કે શાહીન ૨૦૧૬થી ૨૦૧૮ સુધી UAEની એક હૉસ્પિટલમાં કામ કરતી હતી. ગુપ્તચર એજન્સીઓ આ સમયગાળાને સૌથી મહત્ત્વપૂર્ણ માને છે, કારણ કે આ સમયગાળા દરમ્યાન તે JeMના સંપર્કમાં આવી હોવાની શંકા છે.
મુદત પહેલાં સરનામું રિન્યુ કરાવ્યું
તેના ત્રીજા પાસપોર્ટની માન્યતા ૨૦૨૬ સુધીની હતી, પરંતુ શાહીને માર્ચ ૨૦૨૫માં પાસપોર્ટ રિન્યુ કરાવ્યો હતો. રિન્યુઅલ વખતે તેણે ફરીથી સરનામું બદલાવ્યું હતું અને તે અલ-ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદનું હતું. જોકે તેનું કાયમી સરનામું પરવેઝ અન્સારીનું ઘર, લખનઉ રાખવામાં આવ્યું હતું. રિન્યુ કરાવેલા પાસપોર્ટમાં ગાર્ડિયન તરીકે તેના પિતાના નામને બદલે તેના ભાઈ પરવેઝનું નામ હતું. એજન્સીઓ સરનામાં અને પરિવારના સભ્યોનાં નામમાં વારંવાર થતા ફેરફારને શંકાસ્પદ માની રહી છે.