15 November, 2025 10:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. ઉમર મોહમ્મદ નબી
દિલ્હીમાં સોમવારે સાંજે થયેલા કાર-બ્લાસ્ટના ૨૮ વર્ષના સુસાઇડ-બૉમ્બર ડૉ. ઉમર મોહમ્મદ નબીને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આતંકવાદી માનસિકતા ધરાવતો કટ્ટરવાદી અને તાલિબાની વિચારધારાવાળો ગણાવ્યો હતો. નબી અસિસ્ટન્ટ પ્રોફેસર હતો.
અલ-ફલાહ યુનિવર્સિટીના કેટલાક સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે ‘ઉમર કડક પ્રોફેસર હતો અને છોકરાઓ-છોકરીઓ સાથે બેસીને ભણે એમાં માનતો નહોતો. બીજા ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓ સાથે બેસીને ભણતાં હતાં, પણ ડૉ. નબી છોકરાઓ અને છોકરીઓને અલગ-અલગ બેસવાનું કહેતો હતો. તે તાલિબાની માનસિકતા ધરાવતો આતંકવાદી હતો. તે પોતાની ધૂનમાં જ રહેતો હતો. તે યુનિવર્સિટીની હૉસ્ટેલમાં જ રહેતો હતો.’
સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે તેમણે બીજા ડૉ. મુઝમ્મિલને કદી જોયો નહોતો. આ સિવાય કૉલેજમાં તેમણે કદી હ્યુન્ડાઇ i20 કાર જોઈ નહોતી.
પેશન્ટ્સ આવવાના બંધ થયા
લાલ કિલ્લા પાસે થયેલા બૉમ્બવિસ્ફોટમાં અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ આવ્યા બાદ કૉલેજ સાથે સંલગ્ન મેડિકલ હૉસ્પિટલમાં આવતા પેશન્ટ્સની સંખ્યા ઘટી ગઈ છે. આ ઘટનાથી લોકો ડરી ગયા છે અને તેમણે આવવાનું ટાળી દીધું છે.
પુલવામામાં ડૉ. ઉમરના ઘરને IEDથી તોડી પાડવામાં આવ્યું
સુરક્ષા દળોએ ગુરુવારની મધરાત પછી પુલવામાસ્થિત ડૉ. ઉમરના ઘરને ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ની મદદથી તોડી પાડ્યું હતું.