26 November, 2025 01:58 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ ઘટનામાં દુલ્હનને ચહેરા અને પીઠ પર તેમ જ દુલ્હાને હાથ અને પીઠ પર દાઝ્યાનાં નિશાન આવી ગયાં છે.
દિલ્હીમાં એક કપલને પોતાની હલ્દીની રસમમાં હાઇડ્રોજન બલૂન્સ લઈને નીકળીને વિડિયો શૂટ કરવાનો એકદમ સાદોસીધો લાગતો અખતરો મોંઘો પડી ગયો હતો. કપલ અને તેમનાં સગાંસંબંધીઓ હાઇડ્રોજન ભરેલાં બલૂન્સ લઈને હલ્દીના સ્થળે એન્ટ્રી કરી રહ્યાં હોય એવો વિડિયો શૂટ કરી રહ્યાં છે. એ જ વખતે પાછળથી કેટલાક લોકો રંગબેરંગી પાઉડર ઉડાડતી ગન ચલાવે છે. ગનમાંથી નીકળતા રંગીન ધુમાડાથી ગુબ્બારામાં ભરેલો ગૅસ ગરમ થતાં બલૂન્સ ફાટી પડ્યાં. હાઇડ્રોજનને કારણે દુલ્હા-દુલ્હન સહિત બીજા પણ કેટલાક લોકો દાઝી ગયાં હતાં. આ ઘટનાનો વિડિયો શૅર કરીને કપલે લખ્યું હતું, ‘અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારી જિંદગીનો સૌથી ખાસ દિવસ આ રીતે પીડામાં તબદીલ થઈ જશે. અમે આ વિડિયો માત્ર જાગરૂકતા માટે શૅર કરી રહ્યા છીએ જેથી બીજા લોકો આવી ભૂલ કરતાં બચે.’
આ ઘટનામાં દુલ્હનને ચહેરા અને પીઠ પર તેમ જ દુલ્હાને હાથ અને પીઠ પર દાઝ્યાનાં નિશાન આવી ગયાં છે. બન્નેના થોડાક વાળ પણ બળી ગયા હતા. જે દિવસે તેમણે સૌથી સુંદર દેખાવું હતું ત્યાં તેમણે મેકઅપથી દાઝવાનાં નિશાન છુપાવવાં પડ્યાં હતાં અને વાળ કાપીને ઠીકઠાક કરવા પડ્યા હતા.