19 November, 2025 10:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાકેત કોર્ટ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે પકડેલા ડૉ. ઉમરના દોસ્ત જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે કોર્ટમાં રજૂઆત થાય એના પહેલાં જ દિલ્હી પોલીસને કોર્ટમાં બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની ધમકીભરી ઈ-મેઇલ મળી હતી. આ કોર્ટ ઉપરાંત સાકેત કોર્ટ અને દ્વારકા કોર્ટ સહિત બે સ્કૂલોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. પોલીસે તાત્કાલિક આ વિસ્તારો ખાલી કરાવીને એની તપાસ શરૂ કરી હતી.
સવારે ૧૧ વાગ્યાની આસપાસ ધમકી ભરેલી ઈ-મેઇલ જૈશ-એ-મોહમ્મદ નામની ઈ-મેઇલ આઇડી પરથી મોકલાવી હોવાનો દાવો થઈ રહ્યો છે. એ પછી તરત જ બૉમ્બ-સ્ક્વૉડ અને સુરક્ષાદળો સતર્ક થઈ ગયાં હતાં.
સવારે નવ વાગ્યે પ્રશાંત વિહાર અને દ્વારકા વિસ્તારમાં આવેલી બે સ્કૂલોને ફોન પર ધમકી આપવામાં આવી હતી કે ત્યાં કોઈક વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. સલામતીના ભાગસર તરત જ સ્કૂલને ખાલી કરાવવામાં આવી હતી. ધમકી આપ્યા પછી એ નંબર બંધ થઈ ગયો હતો.
લગભગ બે કલાકની સઘન તપાસ બાદ કોઈ જ સગડ ન મળતાં લંચ-બ્રેક પછી કોર્ટ શરૂ કરી દેવામાં આવી હતી.