03 June, 2026 01:18 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
બુધવારે દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગ બાદના હૃદયદ્રાવક દ્રશ્યો (તસવીર સૌજન્યઃ એએનઆઇ)
દિલ્હી (Delhi)ના માલવિયા નગર (Malviya Nagar) વિસ્તારમાં આવેલા હૌઝ રાની (Hauz Rani) સ્થિત મિકાસા ઇન હોટેલ (Micasa Inn hotel)ની લેમન ગ્રીન રેસ્ટોરન્ટ (Lemon Green Hotel)માં બુધવારે સવારે એક અત્યંત દર્દનાક અને ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ છે. સવારે નાસ્તાના સમયે લાગેલી આ આગના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૨૦ પર પહોંચી ગયો છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ૪૭ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે અને બચાવકાર્ય હજી પણ ચાલુ જ છે.
મળતી માહિતી પ્રમાણે, આ રેસ્ટોરન્ટ ઇમારતના બેઝમેન્ટમાં હતી. જ્યાં સવારે ૮.૫૦ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ આખી બિલ્ડિંગમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ અને સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને બિલ્ડિંગમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોતાનો જીવ બચાવવા માટે ઘણા લોકો ઈમારત પરથી નીચે કૂદી પડ્યા હતા.
આ રેસ્ટોરન્ટની ઉપરના માળ પર એક ગેસ્ટ હાઉસ પણ આવેલું હતું, જેમાં વિદેશી નાગરિકો રોકાયા હતા. રેસ્ટોરન્ટની બિલકુલ સામે જ મેક્સ હોસ્પિટલ (Max Hospital) આવેલી હોવાથી, ત્યાં સારવાર માટે આવેલા દર્દીઓના સગા-સંબંધીઓ (અટેન્ડન્ટ્સ) આ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ઘટના બની ત્યારે સવારના નાસ્તાનો સમય હોવાથી રેસ્ટોરન્ટ અને બેઝમેન્ટના અન્ય રૂમોમાં થઈને આશરે ૬૦થી વધુ લોકો હાજર હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ડીસીપી (DCP) અનંત મિત્તલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક રીતે ૧૨થી ૧૪ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ આ આંકડો હજી વધી શકે તેવી આશંકા છે. હાલ ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, સવારે ૮.૫૦ વાગ્યે આગ લાગવાનો કોલ મળ્યો હતો, જેની ગણતરીની મિનિટોમાં જ દમકલોની ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બેઝમેન્ટમાં ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
નેહરુ પ્લેસ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર (DO) રવિન્દર જાતે ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખી રહ્યા છે.
દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને મામલાની તપાસ ચાલુ છે.
દુર્ઘટના અંગે માહિતી આપતા દક્ષિણ જિલ્લાના એસડીએમ (SDM) જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે, ‘કોલ મળતાની સાથે જ અમે ડીડીએમએ (DDMA) સેલને એક્ટિવ કરી દીધો હતો. ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં રેસ્ટોરન્ટ ચાલી રહ્યું હતું. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કઢાયા છે અને ઘાયલો સહિત ૭-૮ લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે. ઉપરના માળ પર ફસાયેલા કેટલાક લોકોનો જીવ બચાવવા માટે સ્થાનિક લોકોએ રસ્તા પર ગાદલા પાથરી દીધા હતા, જેના પર કૂદીને લોકોએ પોતાના જીવ બચાવ્યા છે.’
દિલ્હીના માલવિયા નગરમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પીડિતો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આગની આ દુર્ઘટનામાં લોકોના મોત થવા તે અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે. હું ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક સત્તાવાળાઓ પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યા છે.’
વડાપ્રધાને આ કમનસીબ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યેક મૃતકના પરિવારને રુપિયા ૨ લાખ અને ઇજાગ્રસ્તોને રુપિયા ૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે.