આફ્રિકન કપલના મૃતદેહ બાથરૂમમાંથી આલિંગનબદ્ધ અવસ્થામાં મળી આવ્યા

05 June, 2026 09:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીની હોટેલના અગ્નિકાંડમાં જોવા મળ્યું હૃદયદ્રાવક દૃશ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી હોટેલ ફ્લરિશ સ્ટે B ઍન્ડ B (બ્રેડ ઍન્ડ બ્રેકફાસ્ટ)માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગમાં ૨૧ નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં સૌથી વધુ હચમચાવી દેતો બનાવ ગ્રાઉન્ડ ફ્લોરના એક બંધ બાથરૂમમાં બન્યો હતો જ્યાં મોતના મુખમાં હોવા છતાં એકબીજાનો સાથ ન છોડનાર આફ્રિકન દંપતીના મૃતદેહ આલિંગન કરેલી સ્થિતિમાં મળી આવ્યા હતા.

ફાયર-બ્રિગેડ જ્યારે ધુમાડાથી ભરેલી રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે બાથરૂમમાં મહિલા ટૉઇલેટ-સીટ પર બેઠી હતી અને પુરુષ તેની બાજુમાં ખુરસી પર બેસીને તેને આલિંગન આપી રહ્યો હોય એવી સ્થિતિમાં બન્ને મૃત હાલતમાં જોવા મળ્યાં હતાં. અધિકારીઓના મતે આ કપલ ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટે ભારત આવ્યું હતું. આ દંપતીએ બચવા માટે બાથરૂમને લૉક કરી લીધું હતું, પરંતુ કમનસીબે ધુમાડો તેમના શ્વાસ રૂંધી ગયો અને મદદ પહોંચે એ પહેલાં જ બન્નેએ હંમેશ માટે વિદાય લઈ લીધી હતી. 

દિલ્હી અગ્નિકાંડમાં વેપારીની દરિયાદિલી : બે લાખ રૂપિયાનાં ગાદલાંએ ૮ જીવ બચાવ્યા

રિયાઝુદ્દીન મન્સૂરી અને તેમના દીકરા અરમાન બન્યા દેવદૂત

જ્યારે હોટેલની ઇમારતમાં ફસાયેલા લોકો જીવ બચાવવા માટે ઉપરથી નીચે કૂદવા મજબૂર બન્યા હતા ત્યારે નજીકમાં જ ગાદલાંની દુકાન ધરાવતા રિયાઝુદ્દીન મન્સૂરી અને તેમના દીકરા અરમાન દેવદૂત બનીને આવ્યા હતા. બાપ-દીકરાએ જરાય સમય ગુમાવ્યા વિના પોતાના આશરે બે લાખ રૂપિયાનાં પચીસ ગાદલાં અને રજાઈ રસ્તા પર બિછાવી દીધાં હતાં. ઉપરથી કૂદનારા લોકો આ ગાદલા પર પડતાં તેમના જીવ બચ્યા હતા. રિયાઝુદ્દીનની આ ત્વરિત સૂઝબૂઝ અને ઉદારતાને કારણે આશરે ૮ લોકોના જીવ બચ્યા હતા.

new delhi fire incident africa national news news