15 November, 2025 01:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હાઇવે છોડીને ફુલ સ્પીડમાં ખાડામાં ખાબકેલી કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા
દિલ્હીથી મુંબઈ આવી રહેલા કુર્લામાં રહેતા પરિવાર અને તેમના વડોદરાના બે સંબંધીની કારનો મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ભીમપુર પાસે ગમખ્વાર અકસ્માત થતાં પાંચ જણનાં કરુણ મોત થયાં હતાં. એમાં પિતા-પુત્રની બે જોડી હતી.
દિલ્હી-મુંબઈ હાઇવે પર સવારે ૭.૩૦ વાગ્યે ફુલ સ્પીડમાં જઈ રહેલી XUV700 કારના ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર પર ચડીને ફુલ સ્પીડમાં એક મોટા ખાડામાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં પ્રવાસ કરી રહેલા પાંચેય લોકોનાં મોત થયાં હતાં. એ સ્પૉટ પર ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવામાં આવેલા હોવાથી એ આખી ઘટના એમાં ઝિલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં હાઇવે પોલીસ અને રાવટી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઑફિસર ઘટનાસ્થળે ધસી ગયા હતા. પ્રાથમિક તપાસમાં એવું તારણ પોલીસે કાઢ્યું છે કે સવારના સમયે ઝોકું આવી જતાં આ અકસ્માત થયો હોઈ શકે.
આ અકસ્માતમાં કુર્લા-વેસ્ટની LIG કૉલોનીમાં રહેતા ૭૧ વર્ષના રસૂલ અહમદ ચૌધરી, ૪૦ વર્ષના અબ્દુલ ખાલિદ ચૌધરી, ૩૯ વર્ષના દુર્વેશ અફઝલ ખાન અને વડોદરામાં જાવેદ પાર્કમાં રહેતા દાનિશ ઉસ્માન ચૌધરી અને તેમના ૯ વર્ષના દીકરા મોહિઉદ્દીન ચૌધરીનાં મોત થયાં હતાં.
ખાલિદની મુંબઈમાં IT કંપની છે અને તેના પિતા ગુલામ રસૂલ ડૉક્ટર હતા. વડોદરાના દાનિશ અને મોહિઉદ્દીન તેમના સંબંધી હતા, જ્યારે દુર્વેશ અફઝલ ખાન ખાલિદનો કર્મચારી હતો. તેઓ બધા દિલ્હીમાં એક લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એકસાથે કુટુંબના ચાર સભ્યોનાં કરુણ મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.