25 October, 2026 07:35 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે
દિવાળી પહેલાં પહેલી નવેમ્બરે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજવામાં આવનારી વિપક્ષી ગઠબંધનની ‘વોટચોરી’ વિરુદ્ધની મેગા રૅલીને ૧૦ નવેમ્બર સુધી મુલતવી રાખવાની માગણી ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ કરી છે. ૨૪ ઑક્ટોબરે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને લખેલા પત્રમાં વેપારીઓએ કહ્યું છે કે ‘રામલીલા મેદાનની આસપાસ પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ૨૦ મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારો છે. દિલ્હીની બજારોમાં ટ્રાફિક-ડાઇવર્ઝન, બૅરિકેડિંગ અને રૅલી દરમ્યાન મેટ્રો સ્ટેશન બંધ થવાને કારણે નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે. પરિણામે બજારોમાં ટ્રાફિક અને વ્યવસાયને ખોરવી શકે છે, જેના કારણે કરોડોનું નુકસાન થઈ શકે છે.’
CTIનો અંદાજ છે કે ધનતેરસ અને દિવાળીના શૉપિંગ સમયગાળા દરમ્યાન દિલ્હીમાં કુલ લગભગ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય થાય છે અને વિપક્ષી ગઠબંધનની રૅલીને કારણે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. CTIએ એવો પણ દાવો કર્યો હતો કે મધ્ય દિલ્હીમાં રૅલીઓ, કૂચ અને રસ્તા બંધ થવાને કારણે ઑક્ટોબરમાં વેપારીઓને આશરે ૩૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
રૅલીના કારણે લાગુ કરવામાં આવનારા પ્રતિબંધો રામલીલા મેદાન નજીકની ૨૦ મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારોને અસર કરી શકે છે અને રાજધાનીમાં મુસાફરી કરતા ખરીદદારોને નિરાશ કરી શકે છે. CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે તેમના પત્રમાં રાહુલ ગાંધીને આ રૅલી ૧૦ નવેમ્બરે ભાઈબીજ બાદ યોજવાની અપીલ કરી છે.