`મહિલાને ઘરે બોલાવીને..` વારાણસી જેલના સુપરિન્ટેન્ડન્ટ પર લાગ્યા આ ગંભીર આરોપ

19 March, 2025 09:18 PM IST  |  Varanasi | Gujarati Mid-day Online Correspondent

Deputy Jailer Harassment Case: યૂપીના વારાણસીમાં એક મહિલા ડેપ્યુટી જેલરની પુત્રી દ્વારા જિલ્લા જેલ અધ્યક્ષ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. વારાણસીના જિલ્લા જેલ અધ્યક્ષ ઉમેશ કુમાર સિંહ પર માનસિક અને શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

યૂપીના વારાણસીમાં એક મહિલા ડેપ્યુટી જેલરની પુત્રી દ્વારા જિલ્લા જેલ અધ્યક્ષ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ડેપ્યુટી જેલર મીના કનૌજિયાની પુત્રી નેહા શાહે વારાણસીના જિલ્લા જેલ અધ્યક્ષ ઉમેશ કુમાર સિંહ પર તેની માતાને માનસિક અને શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કર્યો છે. નેહા શાહે લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનમાં તેની માતા પર થયેલી અતિચાર અંગે ફરિયાદ નોંધાવી છે.

આરોપો અને ફરિયાદનો મુદ્દો

નેહા શાહે ફરિયાદમાં જણાવ્યું કે તેની માતા, જે અનુસૂચિત જાતિની છે, તેમને અધિક્ષક ઉમેશ સિંહ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી અપમાનિત કરવામાં આવતી હતી. શાહે આક્ષેપ કર્યો કે ઉમેશ કુમાર સિંહે તેની માતા સાથે ઘણીવાર જાતિવાદી અપશબ્દો આપ્યા હતા અને પોતાના કાર્યાલયમાં બળજબરી કરતો હતો. નેહાએ વધુમાં જણાવ્યું કે અધિક્ષકે તેની માતા મીના કનૌજિયાને અનેકવાર પોતાના ઘેર પણ બોલાવી હતી અને અશ્લીલ ઇશારા કર્યા હતા. નેહા શાહે વધુમાં આક્ષેપ કર્યો કે અધિક્ષક તેની માતાને મહિલા કેદીઓને લલચાવવા માટે દબાણ કરતો હતો. નેહાએ દાવો કર્યો કે જ્યારે તેની માતાએ આનો વિરોધ કર્યો ત્યારે અધિક્ષકે તેની માતાની કારકિર્દી નષ્ટ કરવાની અને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી.

પોલીસની કાર્યવાહી અને બદલીનો આદેશ

પોલીસે નેહાને આશ્વાસન આપ્યું છે કે તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને એક દિવસમાં એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરશે. આ વિવાદ વચ્ચે વારાણસીના જિલ્લા જેલ અધ્યક્ષ ઉમેશ સિંહને સોનભદ્ર જિલ્લા જેલમાં બદલી કરવામાં આવી છે. જિલ્લા જેલ કચેરીએ ઉમેશ કુમાર સિંહના બદલીની પુષ્ટિ કરી છે.

વિવાદનો વીડિયો અને બદલીનો આદેશ

મીના કનૌજિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે અધિક્ષક ઉમેશ સિંહ પર શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા. આ વીડિયો બહાર આવ્યા બાદ મીનાની પણ બદલી કરીને તેને નૈની જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવી હતી. મહાનિદેશક (કારાગાર) પીવી રામશાસ્ત્રી દ્વારા 18 માર્ચે બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, સિંહને સોનભદ્ર જિલ્લા જેલમાં સ્પેશ્યલ ડયુટી પર રાખવામાં આવ્યો છે. આ નિમણૂક કોઈ વધારાના પગાર વિના કરવામાં આવી છે અને આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. સાથે જ, સોનભદ્ર જિલ્લા જેલ અધ્યક્ષ સૌરભ શ્રીવાસ્તવની પણ સ્પેશ્યલ ડયુટી પર વારાણસી ખાતે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂક પણ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગળની સૂચના સુધી યથાવત રહેશે.

આવા જ એક કિસ્સામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક 34 વર્ષીય મહિલા પર ફિલ્મ ઉદ્યોગમાં કામની તકો આપવાના ખોટા વચનો આપીને છેતરપિંડી સહિત તેના પર અનેક વખત બળાત્કાર કરનાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલો મુજબ, આ મામલે આરોપી પુરુષ, એક મહિલા, તેના પતિ અને તેમની પુત્રી સહિત અન્ય ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમણે પીડિતાને બ્લૅકમેલ કરી હતી અને ધમકી આપી હતી.

Rape Case sexual crime varanasi national news news uttar pradesh