25 November, 2025 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે મુંબઈમાં ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટ નેશન્સ (IIMUN)ની યુથ કનેક્ટ ઇવેન્ટમાં રાજકારણ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ગવર્નન્સ અને યુવા મતદારોની માનસિકતા વિશે વાત કરી હતી. તેમણે યુથ કનેક્ટ થાય એ રીતે ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા મહત્ત્વના મુદ્દાને પણ હળવાશથી પ્રસ્તુત કર્યો હતો. મુંબઈના અન્ડરગ્રાઉન્ડ ટનલ-નેટવર્કને ‘પાતાલલોક’ કહ્યું હતું તો કૉન્ગ્રેસ-નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધવા માટે લોકપ્રિય ઝેન-જી શબ્દ ‘ડેલુલુ’નો પણ ઉપયોગ કર્યો હતો. યુવાનો ડેલ્યુઝનલ શબ્દ માટે શૉર્ટ-ફૉર્મ ડેલુલુ વાપરે છે. ડેલ્યુઝનલનો મતલબ થાય છે ભ્રામક, સત્યથી વેગળું.
દેવેન્દ્ર ફડણવીસે ટ્રેન્ડિંગ ઝેન-જી શબ્દોને સમજાવવા માટે મજાનાં ઉદાહરણો આપ્યાં હતાં; જેમ કે લોકશાહીમાં ‘સ્લે’ શબ્દ માટે કોઈ સ્થાન નથી, પરંતુ તાજેતરનાં ચૂંટણી-પરિણામોને જોયા પછી ઘણા લોકોએ કહ્યું કે ઇન્હોંને સ્લે કર દિયા. તો મુંબઈના ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ગ્રોથ, કોસ્ટલ રોડથી લઈને હાઈ-સ્પીડ કૉરિડોર સુધી શહેરના વિકાસમાં ‘રિઝ’ છે એવું કહેવાય છે.
જ્યારે ‘ડેલુલુ’ શબ્દ સમજાવવા માટે તેમને કોઈ વાક્યની જરૂર નથી એવું કહીને દેવેન્દ્ર ફડણવીસે ટિપ્પણી કરી હતી કે જો હું ફક્ત રાહુલ ગાંધી કહું તો શબ્દને અર્થ આપવા માટે પૂરતું છે. આ ટિપ્પણીને પ્રેક્ષકો તરફથી જોરદાર પ્રતિક્રિયાઓ મળી હતી.
દેવેન્દ્ર ફડણવીસે મુંબઈને ભીડમુક્ત બનાવવાના હેતુથી મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભૂગર્ભ ટનલના આગામી નેટવર્કને એક વેબ-સિરીઝના નામ પરથી ‘પાતાલલોક’ તરીકે વર્ણવ્યું હતું. થાણે-બોરીવલી અને મુલુંડ-ગોરેગામ જેવા ટનલ પ્રોજેક્ટ્સ, ભાઈંદર સુધી કોસ્ટલ રોડનું એક્સ્ટેન્શન અને નવાં કનેક્ટર્સ વિશે વાત કરી હતી. આ પોજેક્ટ્સ ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટીને ઝડપી બનાવશે. અટલ સેતુથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે થઈને ગિરગામ ચોપાટીને જોડતી ટનલ ૩ વર્ષમાં પૂર્ણ થશે.
મેટ્રો, લોકલ ટ્રેન અને બેસ્ટ બસોમાં યુનિફાઇડ ટિકિટિંગ ઑફર માટે લૉન્ચ કરાયેલી મુંબઈ વન ઍપનો ઉલ્લેખ કરવા સાથે મુખ્ય પ્રધાને ખાતરી આપી હતી કે લોકલ ટ્રેનોમાં ટૂંક સમયમાં ઑટોમૅટિક દરવાજાવાળા સંપૂર્ણ ઍર-કન્ડિશન્ડ કોચ હશે અને AC ટ્રેનનું ભાડું સેકન્ડ ક્લાસના ભાડા જેટલું જ રહેશે.
આ ઇવેન્ટમાં દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ઓછામાં ઓછી ૪૦ ટકા ટિકિટ ૩૫ વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો માટે અનામત રાખશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘કોઈ પણ લોકશાહી સમાજનું પ્રતિબિંબ છે અને સમાજને પણ આકાર આપે છે. BMCની છેલ્લી ચૂંટણીમાં કુલ ૨૧૬ ઉમેદવારોનો ક્રિમિનલ રેકૉર્ડ હતો. એ સાચું છે કે કેટલાક ખોટા લોકો છે, પરંતુ દરેકને ભ્રષ્ટ કહેવું પણ ખોટું છે. જો આખી સિસ્ટમ ખરાબ હોત તો આપણો દેશ આટલી ઝડપથી વિકાસ પામ્યો ન હોત.’
તેમના વિરુદ્ધ દાખલ થયેલા કેસોનો ઉલ્લેખ કરતાં ફડણવીસે કહ્યું હતું કે ‘પોલીસ-ફરિયાદ નોંધાઈ હોય એવા મુખ્ય પ્રધાનોમાં હું ૩૫ કેસ સાથે ટોચ પર હતો, પણ મારી સામે એક પણ કેસ નૈતિક પતનનો નહોતો. મેં કંઈ ખોટું કર્યું નથી. હું જાહેર હિત માટે લડ્યો હતો.’
દેવેન્દ્ર ફડણવીસના મતે BMCની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો શિક્ષણની નબળી ગુણવત્તાને કારણે નથી, પરંતુ ખાનગી સ્કૂલોની સંખ્યામાં ઝડપથી થયેલો વધારો છે. તેમણે માહિતી આપી કે ૨૦૧૮માં શિક્ષણ-પદ્ધતિમાં મોટા સુધારાઓ રજૂ થયા પછી લગભગ બે લાખ બાળકો ખાનગી સ્કૂલોમાંથી સરકારી જિલ્લા-સ્કૂલોમાં ગયાં છે.