વિમાન-પ્રવાસમાં ધમાલ મચાવતા પ્રવાસીઓ માટે આવી રહ્યા છે સખત નિયમો

21 February, 2026 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રસ્તાવિત ધોરણો તમામ ભારતીય ઍરલાઇન્સ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય, ભારતીય ક્ષેત્રની અંદરનાં તમામ ઍરપોર્ટ ઑપરેટરો અને ભારતમાં અને ભારતની બહારથી ભારત આવતા તમામ મુસાફરોને લાગુ પડશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નાગરિક ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ વિમાન-પ્રવાસમાં ધમાલ મચાવતા મુસાફરો સામે કાર્યવાહી કરવા માટે સખત નિયમો બનાવ્યા છે જેનો ડ્રાફ્ટ બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો. બેકાબૂ મુસાફરો અને વિમાન-ઉડ્ડયનમાં મુશ્કેલી ઊભી કરનારા પ્રવાસીઓ માટે એક નવી કૅટેગરી તૈયાર કરવામાં આવી છે.

DGCAએ નિયમનકારી માળખામાં સુધારો કરવા, અમલીકરણને વધુ તીવ્ર બનાવવા, સજાપાત્ર કૃત્યોનો વ્યાપ વધારવા અને દંડની રચનામાં સુધારો કરવા માટે મોટા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. બેકાબૂ અને મુશ્કેલી ઊભી કરતા મુસાફરો પર ઍરલાઇન્સ ૩૦ દિવસનો ઉડ્ડયન બૅન‌ મૂકી શકશે. જો આ ડ્રાફ્ટ મંજૂર થાય તો એ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ (CAR) ૨૦૧૭ના નિયમોનું સ્થાન લેશે.

DGCAએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ધોરણો તમામ ભારતીય ઍરલાઇન્સ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય, ભારતીય ક્ષેત્રની અંદરનાં તમામ ઍરપોર્ટ ઑપરેટરો અને ભારતમાં અને ભારતની બહારથી ભારત આવતા તમામ મુસાફરોને લાગુ પડશે.

DGCAએ બેકાબૂ વિમાન-મુસાફરો સાથે વ્યવહાર કરવા માટે લેવલ 4 બેકાબૂ વર્તનની શ્રેણી રજૂ કરીને કડક નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આવા મુસાફરો પર બે કે એથી વધુ વર્ષ માટે હવાઈ મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

બેકાબૂ વર્તનમાં વિમાનમાં ધૂમ્રપાન કરવું, ડોમેસ્ટિક ફ્લાઇટ અથવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં દારૂનું સેવન (સિવાય કે જ્યારે કૅબિન-ક્રૂ દ્વારા આવો દારૂ પીરસવામાં આવે), ઇમર્જન્સી એક્ઝિટનો દુરુપયોગ અથવા લાઇફ-જૅકેટ્સ સહિતનાં જીવન બચાવનારા ઉપકરણોનો ગેરકાયદે ઉપયોગ, વિરોધ-પ્રદર્શન અથવા સૂત્રોચ્ચાર, નશાના કારણે અન્ય મુસાફરો કે ક્રૂ સાથે ગેરવર્તન, ચીસો પાડવી, અન્ય મુસાફરોને હેરાન કરવા અથવા સીટ-બૅક અથવા ટ્રે-ટેબલને લાત મારવી વગેરે વર્તનનો સમાવેશ થાય છે. ઍરલાઇન્સે આવા બેકાબૂ મુસાફરોનો ડેટાબેઝ જાળવવો પડશે અને તેમના પર પ્રતિબંધ લાદવા અંગે DGCAને જાણ કરવી પડશે. જોકે આવા મુસાફરોને DGCA દ્વારા ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવશે નહીં એવી ડ્રાફ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગેરવર્તનનાં ૪ લેવલ

પ્રવાસીઓની ગેરવર્તણૂકને ૪ લેવલમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ લેવલના આધારે મુસાફરો પર આજીવન પ્રતિબંધ પણ લગાવી શકાય છે.

લેવલ ૧ : આમાં ગેરવર્તણૂકનો સમાવેશ થાય છે. જેમ કે હાવભાવ, મૌખિક ઉત્પીડન અથવા નશામાં વર્તન.
લેવલ ૨ : આમાં શારીરિક દુર્વ્યવહારનો સમાવેશ થાય છે. જેમ કે ધક્કો મારવો, લાત મારવી, કોઈને મારવું, પકડવું અથવા અયોગ્ય રીતે સ્પર્શ કરવો અથવા જાતીય સતામણી કરવી.
લેવલ ૩ : આમાં ઘાતક વર્તનનો સમાવેશ થાય છે. જેમ કે વિમાનની ઑપરેટિંગ સિસ્ટમને નુકસાન પહોંચાડવું, ગળું દબાવવું, આંખમાં પ્રહાર કરવો અથવા જાનથી મારવાનો પ્રયાસ કરવો.
લેવલ ૪ : આમાં ફ્લાઇટ ક્રૂ કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવો અથવા પ્રવેશી જવું જેવા દુર્વ્યવહારનો સમાવેશ થાય છે.

directorate general of civil aviation dgca airlines news national news news