૭૨૧ વર્ષ પછી પહેલા શુક્રવારે ધાર ભોજશાલામાંવાગ્દેવીની પૂજા થઈ અને ચૂંદડી ચડાવવામાં આવી

23 May, 2026 09:32 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી કરી મુસ્લિમ પક્ષે

ધાર ભોજશાલામાં શુક્રવારે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગઈ કાલે વાગ્દેવીની પ્રતિમાને ચૂંદડી ચડાવીને અહીં અખંડ જ્યોત જલાવવામાં આવી હતી.

મધ્ય પ્રદેશની ધાર ભોજશાલામાં હાઈ કોર્ટના ચુકાદા પછી ગઈ કાલે માઁ સરસ્વતીની પૂજા થઈ હતી. સેંકડો વર્ષો પછી પહેલા શુક્રવારે અહીં માઁ વાગ્દેવીની પૂજા-આરતી થઈ હતી. આ પ્રસંગે ખૂબ મોટી માત્રામાં ભક્તો ભોજશાલામાં ઊમટી પડ્યા હતા. ઇતિહાસકારો કહે છે કે ૭૨૧ વર્ષ બાદનો આ પહેલો શુક્રવાર છે જ્યારે ધાર ભોજશાલામાં માઁ વાગ્દેવીની પૂજા થઈ. એ જ કારણોસર ગઈ કાલનો દિવસ ધાર ભોજશાલાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.

ભક્તોએ ભોજશાલાના પરિસરમાં ગર્ભગૃહની ફૂલોથી સજાવટ કરી હતી અને માની મૂર્તિને ચૂંદડી ચડાવી હતી. બપોરે અહીં મહાઆરતીનું આયોજન હોવાથી ભક્તોની હકડેઠઠ ભીડ જામી હતી. ભોજશાલા પરિસરની આસપાસ ભારે માત્રામાં સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવ્યાં હતાં અને ડ્રોનથી ચાંપતી નજર રાખવામાં આવી હતી.

જુમ્માની નમાજ ન થઈ

જોકે બીજી તરફ સેંકડો વર્ષ પછી પહેલી વાર આ સ્થળે જુમ્માની નમાઝ અદા નહોતી થઈ રહી. એને કારણે મુસ્લિમ સમુદાયમાં પણ તંગદિલી હતી. મુસ્લિમ સમુદાયમાં નારાજગી અને દુખ દેખાતાં હતાં. એમ છતાં કમાલ મૌલા મસ્જિદના અબ્દુલ સમદે કહ્યું હતું કે ‘અહીં છેલ્લાં ૭૦૦ વર્ષથી વધુ સમયથી જુમ્મે કી નમાજ અદા કરવામાં આવી હતી. આ પરંપરા ગઈ કાલે તૂટી હતી એનાથી સમાજમાં દુખ જરૂર છે. જોકે અમારી લડાઈ સંપૂર્ણપણે સંવિધાનિક અને કાનૂની દાયરામાં રહેશે.’

મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં

ધાર ભોજશાલા પર મસ્જિદ હોવાનો દાવો કરતી સંસ્થાએ ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. મુસ્લિમ પક્ષે હાઈ કોર્ટે આપેલા ચુકાદાને પડકાર્યો હતો. આ ચુકાદામાં આ પરિસરને સરસ્વતીદેવીનું મંદિર માનવામાં આવ્યું હતું અને શુક્રવારે થતી નમાઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુસ્લિમ પક્ષે હાઈ કોર્ટના ચુકાદાને પડકાર આપતાં એ તર્ક આપ્યો હતો કે હાઈ કોર્ટનો નિર્ણય પુરાતત્ત્વ પુરાવાઓથી વિરુદ્ધનો છે અને પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ ૧૯૯૧ની મૂળ ભાવનાનું ઉલ્લંઘન કરે છે. જોકે હાઈ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે એવી આશંકાથી હિન્દુ પક્ષે પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં કૅવિએટ ફાઇલ કરીને અરજી કરી હતી કે આ બાબતે તેમનો પક્ષ સાંભળ્યા વિના એકતરફી આદેશ ન આપવામાં આવે.

madhya pradesh hinduism islam national news news