23 October, 2025 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભોપાલમાં દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન ફટાકડાની બંદૂકથી ઈજા થતાં લોકો સારવાર હેઠળ છે (તસવીર: PTI)
દેશભરમાં દિવાળીની ઉજવણી ચાલી રહી છે, જોકે આ તહેવારમાં એક મોટી હોનારત થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. માહિતી મુજબ મધ્યપ્રદેશમાં દિવાળીની ઉજવણી દરમિયાન કામચલાઉ કાર્બાઇડ ગન (બંદૂક) થી ઘાયલ થયા બાદ 14 બાળકોએ આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 22 ઑક્ટોબરના રોજ, PTI એ અહેવાલ આપ્યો હતો કે રાજધાની ભોપાલમાં કાર્બાઇડ બંદૂકથી 8 થી 14 વર્ષની વયના બાળકો સહિત 60 થી વધુ લોકોને ચહેરા અને આંખોમાં ગંભીર ઇજાઓ થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં શહેરની હમીદિયા હૉસ્પિટલમાં 25 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. ભોપાલ, ઇન્દોર, જબલપુર અને ગ્વાલિયરની હૉસ્પિટલોમાં કાર્બાઇડ બંદૂકોથી થતા અકસ્માતોના સમાન કેસ નોંધાયા છે. રાજ્યભરમાં 100 થી વધુ લોકોને આંખમાં ગંભીર ઇજાઓ થઈ છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે કાર્બાઇડ ગન નામની આ રમકડાની બંદૂક નથી અને તેનાથી દરેક દૂર રહી તેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.
મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી મનીષ શર્માએ પણ કાર્બાઇડ બંદૂકોના ઉપયોગ સામે ચેતવણી આપી હતી. આ બંદૂકોનો ઉપયોગ મોટાભાગે ખેડૂતો વાંદરા જેવા પ્રાણીઓથી તેમના પાકને બચાવવા માટે કરે છે. બજારમાં તેનું ખુલ્લેઆમ વેચાણ અને દિવાળીના ફટાકડા તરીકે બ્રાન્ડિંગ, તે પણ કોઈ ચેતવણી વિના થતાં અધિકારીઓ દ્વારા નિયમન અંગે ચર્ચા જગાવી છે. ડૉકટરોએ કાર્બાઇડ ગનનો રમકડાં અને ફટાકડા તરીકે ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે, ખાસ કરીને બાળકો માટે. માહિતીના આધારે કાર્યવાહી કરતા, ભોપાલ પોલીસે એમપી નગર, ગાંધી નગર અને બાગ સેવાનિયા વિસ્તારની દુકાનોમાંથી 60 થી 65 કાર્બાઇડ ગન જપ્ત કરી છે. ગુરુવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળી પર ‘જોખમી’ કેલ્શિયમ કાર્બાઇડ બંદૂકોનો ઉપયોગ કર્યા પછી થયેલી ઇજાઓને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ભોપાલમાં 60 થી વધુ વ્યક્તિઓ, જેમાં મોટાભાગના 8 થી 14 વર્ષની વયના બાળકો હતા. તેમણે કહ્યું કે, તેમના જીવને કોઈ ખતરો નથી, પરંતુ કેટલાક ઘાયલોએ તેમની દૃષ્ટિ ગુમાવી દીધી છે, જ્યારે કેટલાકના ચહેરા પર દાઝી ગયા છે. કાર્બાઇડ પાઇપ ગન ખૂબ જ ખતરનાક છે. આ બંદૂકોના ઉપયોગથી ઘાયલ થયેલા 60 લોકો હજી પણ રાજ્યની રાજધાનીની હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. બધા સુરક્ષિત છે.
પાંચ વ્યક્તિઓની સેવા સદન હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય લોકો હમીદિયા હૉસ્પિટલ, જેપી હૉસ્પિટલ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં દાખલ છે. ગૅસ લાઇટર, પ્લાસ્ટિક પાઇપ અને કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ‘ખતરનાક’ બંદૂક આ દિવાળીમાં ખૂબ જ પ્રચલિત હતી. બંદૂકમાં રહેલ કેલ્શિયમ કાર્બાઇડ પાણીમાં ભળીને એસીટીલીન ગૅસ ઉત્પન્ન કરે છે અને સ્પાર્કના સંપર્કમાં આવતાં તે વિસ્ફોટ થાય છે. પાઇપમાંથી નીકળેલા નાના પ્લાસ્ટિકના ટુકડા, જેમ કે શ્રાપનલ, શરીરમાં ઘૂસી જાય છે, જેના કારણે ગંભીર ઇજાઓ થાય છે અને વિવિધ ભાગોમાં, ખાસ કરીને આંખો, ચહેરો અને ત્વચાને નુકસાન થાય છે. દિવાળી પછીના દિવસે ભોપાલ શહેરમાં કાર્બાઇડ બંદૂકોને કારણે ઇજાઓના 150 થી વધુ કેસ નોંધાયા હતા, અને તેમાંથી ઘણાને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી હતી. ડૉક્ટરોની એક ટીમ એઈમ્સમાં દાખલ 12 વર્ષના બાળકની દૃષ્ટિ પાછી મેળવવા માટે કામ કરી રહી છે. હમીદિયા હૉસ્પિટલમાં બે વધુ બાળકોની સારવાર ચાલી રહી છે, જ્યાં લગભગ 10 બાળકો દાખલ છે. 18 ઑક્ટોબરના રોજ અધિકારીઓ સાથેની બેઠકમાં, મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યભરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને કાર્બાઇડ પાઇપ ગનના વેચાણને રોકવા માટે નિર્દેશ આપ્યો હતો. જોકે, બજારમાં આ ઉપકરણો મોટાપાયે વેચાતા હતા.