29 November, 2026 12:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચેન્નઈમાં દ્રવિડ મુનેત્ર કઝઘમ (DMK)ના વડા એમ. કે. સ્ટૅલિનની અધ્યક્ષતામાં મળેલી પાર્ટીના સંસદસભ્યોની બેઠકમાં પાર્ટીએ ગઈ કાલે સંસદના વિશેષ સત્રમાં રજૂ થનારા ડીલિમિટેશન બિલના સમર્થનમાં એક ઠરાવ પસાર કર્યો હતો. સોમવારથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર પૂર્વે શુક્રવારે કેન્દ્રીય પ્રધાનમંડળે બંધારણ (૧૩૨મો સુધારો) ખરડો, ૨૦૨૬ અને ડીલિમિટેશન (બીજો) બિલ, ૨૦૨૬ને મંજૂરી આપી છે.
આ બંધારણીય સુધારાને પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે BJPના નેતૃત્વ હેઠળની નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકારના પ્રયાસોમાં DMKના લોકસભામાં બાવીસ સંસદસભ્યો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પ્રસ્તાવિત બિલ વિશે BJP અને DMK વચ્ચે લાંબી વાટાઘાટો પછી સ્ટૅલિનની પાર્ટીએ આ વલણ અપનાવ્યું હતું.
DMK પાસે લોકસભામાં બાવીસ અને રાજ્યસભામાં ૮ સંસદસભ્યો છે, જે સરકારની કાયદાકીય પહેલ માટે તેમનું સમર્થન મહત્ત્વપૂર્ણ બનાવે છે. કેન્દ્ર સરકારે એમ.કે. સ્ટૅલિનની બે મુખ્ય માગણીઓ સ્વીકારી છે, જેમાં લોકસભા બેઠકોમાં તામિલનાડુનો વર્તમાન ૭.૧૮ ટકા હિસ્સો જાળવી રાખવો અને આગામી ૨૫ વર્ષ માટે રાજ્યોના હાલના પ્રતિનિધિત્વ ગુણોત્તરને જાળવી રાખવાની બાબતનો સમાવેશ છે.