નીતીશ કુમાર છેલ્લાં ૩૦ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી

15 November, 2025 09:59 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

છેલ્લે ૧૯૯૫માં લડ્યા હતા ત્યારે હાર્યા હતા, એ પછી વિધાન પરિષદમાં ચૂંટાઈ આવે છે

નવ વખત મુખ્ય પ્રધાનપદના શપથ લઈ ચૂક્યા છે નીતીશકુમાર

બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન રહેનારા નીતીશ કુમાર વિધાનસભાની ચૂંટણીઓથી દૂર રહે છે એ જાણીતું છે. નીતીશ કુમારે છેલ્લાં ૩૦ વર્ષમાં ક્યારેય બિહાર વિધાનસભાની ચૂંટણી લડી નથી. તેઓ વિધાન પરિષદથી ચૂંટાઈ આવે છે. તેમણે છેલ્લે ૧૯૮૫માં વિધાનસભ્ય તરીકે ફરજ બજાવી હતી. ત્યારથી માત્ર એક જ વાર ૧૯૯૫માં હરનૌત બેઠકથી વિધાનસભાની ચૂંટણી લડી છે, જેમાં તેમનો પરાજય થયો હતો. જોકે તેઓ છ વાર લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

નીતીશ ૨૦૦૦માં બિહાર વિધાનસભાના કોઈ પણ ગૃહના સભ્ય બન્યા વિના પહેલી વાર મુખ્ય પ્રધાન બન્યા હતા. સમયસર બેઠક મેળવી ન શકવાને કારણે તેમણે આઠ દિવસમાં રાજીનામું આપી દીધું હતું. ૨૦૦૫માં જ્યારે તેઓ સત્તામાં પાછા ફર્યા ત્યારે તેમણે વિધાનસભાની ચૂંટણી લડ્યા વિના ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને ત્યાર બાદ વિધાનસભા પરિષદના સભ્ય બન્યા, જે પૅટર્ન તેમણે ત્યારથી અનુસરી છે.

ભારતમાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો ધરાવતાં છ રાજ્યોમાં બિહારનો પણ સમાવેશ છે. આના કારણે પ્રધાનોને વિધાનસભાની ચૂંટણી લડ્યા વિના વિધાન પરિષદ દ્વારા પદ મળી શકે છે. નીતીશે ૨૦૧૨માં મેમ્બર ઑફ લેજિસ્લેટિવ કાઉન્સિલ (MLC) તરીકે તેમનો પહેલો કાર્યકાળ પૂરો કર્યો અને ફરીથી ચૂંટાયા હતા. જાન્યુઆરી ૨૦૧૨માં કાઉન્સિલના શતાબ્દી સમારોહ દરમ્યાન નીતીશે કહ્યું હતું કે ‘મેં કોઈ મજબૂરીને કારણે નહીં પણ પોતાની પસંદગીથી MLC બનવાનું પસંદ કર્યું છે. કાઉન્સિલ એક આદરણીય સંસ્થા છે. હું કાઉન્સિલમાં ફરીથી ચૂંટણી લડવાનું ચાલુ રાખીશ.’

૨૦૧૫ની ચૂંટણીઓ પહેલાં તેમણે ફરીથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ વિધાનસભાની બેઠક નહીં લડે, કારણ કે તેઓ પોતાનું ધ્યાન એક મતવિસ્તાર સુધી મર્યાદિત રાખવા માગતા નથી.
નીતીશ કુમાર ૨૦૧૮માં સતત ત્રીજા કાર્યકાળ માટે વિધાન પરિષદમાં પાછા ફર્યા હતા, જે ૨૦૨૪માં સમાપ્ત થયો હતો. માર્ચ ૨૦૨૪માં તેઓ ફરીથી MLC બન્યા છે અને તેઓ મે ૨૦૩૦ સુધી MLC રહેશે.

bihar elections bihar assembly elections nitish kumar national news news