17 May, 2025 06:46 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ, ઍપલ કંપનીનો લોગો અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આઇફોન નિર્માતા કંપની ઍપલને ભારતમાં ઉત્પાદન બંધ કરવા કહ્યું હતું. કંપની `ચાઇના પ્લસ વન` નીતિ હેઠળ ભારતમાં આક્રમક રીતે વિસ્તરણ કરી રહી હતી. પરંતુ અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ થોડો ઓછો થતાં, ઍપલ ભારતમાં તેના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના પર પુનર્વિચાર કરી રહી છે. અહેવાલ મુજબ, કંપનીએ હાલમાં યુએસ બજાર માટે ભારતમાં આઇફોન બનાવવાની વિશિષ્ટ યોજનાને મુલતવી રાખ્યું છે.
અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઍપલે પહેલાથી નક્કી કરેલી યોજનાઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એ કે ભારતમાં સામાન્ય વિસ્તરણ અને ચીન સિવાયના દેશોમાં ઉત્પાદન વધતું રહેશે. પરંતુ ફક્ત યુએસ બજાર માટે આઇફોન બનાવવાની યોજના હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
કંપનીની યોજના
એક સૂત્રએ જણાવ્યું, `અમે હાલમાં વિશ્વભરના રાજકીય અને આર્થિક વાતાવરણને સમજવા માગીએ છીએ. અમે ખાસ કરીને ટેરિફ અંગે કયા નિયમો બનાવવામાં આવે છે તેના પર નજર રાખી રહ્યા છીએ. વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. યુએસ સરકારે ટેરિફ અંગેના પોતાના નિર્ણયો ઘણી વખત બદલ્યા છે. ચીનમાં પણ આવું જ બન્યું છે, જ્યાં કેટલીક વસ્તુઓ પરના ટૅક્સમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. તો, અમે થોડી રાહ જોવા માગીએ છીએ અને જોઈએ છીએ કે આગળ શું ફેરફાર કરવામાં આવે છે. અમેરિકામાં આઇફોન સપ્લાય કરવા માટે ભારતમાં મોટા પાયે ઉત્પાદન શરૂ કરતા પહેલા અમે થોડી રાહ જોઈશું.
કતારની મુલાકાતે આવેલા ટ્રમ્પે ઍપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું કે યુએસ માર્કેટ માટે ભારતમાંથી આઈફોન આયાત ન કરવા જોઈએ. ટ્રમ્પ ઈચ્છે છે કે વસ્તુઓ અમેરિકામાં જ બને. ઍપલે અમેરિકન સરકારને ખાતરી આપી છે કે તે આગામી ચાર વર્ષમાં અમેરિકામાં $500 બિલિયનનું રોકાણ કરશે. આમાં હ્યુસ્ટનમાં એક નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાનો પણ સમાવેશ થાય છે, જ્યાં સર્વર બનાવવામાં આવશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે 2029 સુધીમાં અમેરિકામાં 20,000 નવી નોકરીઓનું સર્જન કરશે.
કૂકની મુશ્કેલી
ટ્રમ્પના ટેરિફ પર વારંવાર બદલાતા વલણથી કૂક પણ પરેશાન છે. કુકે તાજેતરમાં કહ્યું હતું કે ભારત અમેરિકાને આઇફોન સપ્લાય કરવા માટેનું મુખ્ય કેન્દ્ર હશે. તેમણે કહ્યું કે જૂન ક્વાર્ટરમાં અમેરિકામાં વેચાયેલા મોટાભાગના આઇફોન ભારતમાં બન્યા હશે. ટ્રમ્પના તાજેતરના નિવેદન બાદ, ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ઍપલે તેમને ખાતરી આપી છે કે તે ફોક્સકોન અને ટાટા ગ્રુપ જેવા મેનુફેક્ચરિંગ પાર્ટનર્સ દ્વારા ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઍપલે કહ્યું કે કોવિડ પછી શરૂ કરાયેલી રોકાણ યોજનાઓમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. ખાસ કરીને, PLI યોજના હેઠળ સ્માર્ટફોનના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે. ચીન ઉપરાંત અન્ય દેશોમાં પણ ઉત્પાદન વધારવાનું કામ ચાલુ રહેશે. ફક્ત અમેરિકાને આઇફોન સપ્લાય કરવાની યોજના પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીઓ ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને તેમના ઉત્પાદન અંગે નિર્ણય લે છે. આમાં કમાણી, કામ કરવાની ક્ષમતા અને સ્પર્ધાનો સમાવેશ થાય છે. આ બધા વ્યવસાય સંબંધિત નિર્ણયો છે.