04 November, 2025 11:21 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રોડ પર કાળો કેર વર્તાવનાર ડમ્પર પણ ખખડી ગયું હતું
રાજસ્થાનની રાજધાની જયપુરના સીકર રોડ પર લોહામંડી પાસે ગઈ કાલે બપોરે લગભગ એક વાગ્યે નશામાં ધુત એક ડમ્પર-ડ્રાઇવરે તબાહી મચાવી હતી. તેણે લગભગ દોઢ કિલોમીટરના વિસ્તારમાં બેફામ ગાડી હંકારીને રસ્તામાં જે વાહનો આવ્યાં એને અડફેટે લીધાં હતાં અને અનેક બાઇક ડમ્પરની નીચે કચડાઈને ઢસડાઈ હતી. આ રૅશ ડ્રાઇવિંગથી ૧૯થી વધુ વાહનો કચડાઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં એક બાળક સહિત ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૨૦ લોકો ઘાયલ થયા હતા.
બેફામ દોડી રહેલા ડમ્પરે રસ્તાની બન્ને તરફનાં વાહનોને ટક્કર મારી હતી અને પછી આ ડમ્પર એક ટ્રેલર સાથે અથડાઈને અટકી ગયું હતું અને પસાર થતી કાર પર પલટી ખાઈ ગયું હતું જેમાં પાંચ લોકો કચડાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ત્યારે ડમ્પર-ડ્રાઇવરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. તે નશામાં ધુત હોવાનું લોકોએ જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
કાર અને બાઇક્સને ડમ્પરે ક્યાંય સુધી પોતાની સાથે ઢસડતાં એનો ખુડદો બોલી ગયો હતો
પોલીસે કહ્યું હતું કે થોડી ક્ષણ પહેલાં જ ડમ્પર ડ્રાઇવરની એક કારવાળા સાથે બોલાચાલી થઈ હતી એટલે ગુસ્સામાં આવીને તેણે ગાડી સ્પીડમાં દોડાવી હતી. સૌથી પહેલાં એક બાઇક સાથે અથડાયા પછી તેણે એ જગ્યાએથી ભાગી જવા માટે ગાડી ભગાવી હતી.
અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જૅમ સર્જાયો હતો. રસ્તા પર લોકોના મૃતદેહ અને માનવઅંગો કપાઈને પડેલાં જોવા મળ્યાં હતાં.