30 June, 2026 04:15 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે (Indian Government) મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં જણાવ્યું હતું કે, હાલમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનો પ્રયોગ ચાલી રહ્યો છે અને તેના પરિણામો આગામી વર્ષ સુધીમાં આવશે. સરકાર તરફથી આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં આ બાબતે વ્યાપક ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણથી (E20 ethanol blending) જૂના વાહનોને નુકસાન થઈ શકે છે.
સરકારે એવી આશંકાઓને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો છે કે E20 પેટ્રોલથી મિકેનિકલ નુકસાન થાય છે, તેવા કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી. આ નીતિ ભારતની ઊર્જા સુરક્ષા, ખેડૂતો અને પર્યાવરણ માટે ફાયદાકારક સાબિત થશે. એટર્ની જનરલ આર. વેંકટરમણીએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા દાખલ કરાયેલી અરજી પરની ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જેમાં કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
હાઈકોર્ટે તેના ૨૩ જૂનના આદેશમાં, તેલ કંપનીઓ- BPCL, HPCL અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ને ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં ઇથેનોલની ફાળવણીમાં વધારો કરવાની માંગ કરતી એક ડિસ્ટિલરી દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવા અને નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. જો કે, BPCL એ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટના આદેશથી પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ મેળવવાના સરકારના વ્યાપક નીતિગત ઉદ્દેશ્ય પર અસર પડી શકે છે.
એટર્ની જનરલે જણાવ્યું હતું કે, `સરકાર ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણનો પ્રયોગ કરી રહી છે. આગામી વર્ષ સુધીમાં આપણને તેના પરિણામો મળી જશે.`
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે BPCL એ આ આદેશ સામે કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ (ખંડપીઠ) નો સંપર્ક કેમ ન કર્યો. જેના જવાબમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે ઇથેનોલ સપ્લાયના કોન્ટ્રાક્ટ ઓક્ટોબર ૨૦typed૫માં પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપી દેવાયા હતા અને આ પ્રકારની અરજીઓ ઘણી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેમણે ઉમેર્યું કે, `આનાથી રાષ્ટ્રીય નીતિ પ્રભાવિત થશે.`
એટર્ની જનરલે ટ્રાન્સફર પિટિશન દાખલ કરવાની પરવાનગી માંગી હતી અને દલીલ કરી હતી કે આ મુદ્દાનો ઉકેલ ઓક્ટોબર પહેલાં લાવવો જરૂરી છે, જ્યારે ઇથેનોલ સપ્લાય કોન્ટ્રાક્ટના રિન્યુઅલનો સમય આવશે. તેમણે કહ્યું, `જો હું ડિવિઝન બેન્ચ સમક્ષ જઈશ અને પછી અન્ય હાઈકોર્ટમાં જઈશ તો તેમાં વિલંબ થશે.`
ભારતે નિર્ધારિત સમય કરતાં ૫ વર્ષ વહેલાં ગયા વર્ષે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનું પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. ઓઇલ કંપનીઓએ ૧ એપ્રિલથી સમગ્ર દેશમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો પુરવઠો શરૂ કરી દીધો છે. સરકારે હવે ૨૦૩૦ સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને વધારીને ૩૦ ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.