રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાના સ્થાને આવેલા AAPના સંસદસભ્ય અશોક મિત્તલના ઘરે EDના દરોડા

16 April, 2026 11:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં EDએ અશોક મિત્તલના સંબંધિત નવ સ્થળોએ ગઈ કાલે દરોડા પાડ્યા હતા

ફાઇલ તસવીર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય અશોક મિત્તલના ઘરે ગઈ કાલે દરોડા પાડ્યા હતા. તેમને તાજેતરમાં રાઘવ ચઢ્ઢાના સ્થાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં EDએ અશોક મિત્તલના સંબંધિત નવ સ્થળોએ ગઈ કાલે દરોડા પાડ્યા હતા. દિલ્હીથી EDની ટીમો ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે તેમના જાલંધર સ્થિત ઘર, તેમની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) અને ગુરુગ્રામ સહિત અન્ય સ્થળોએ પહોંચી હતી. EDનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગ વિશેનો છે.

ઑપરેશન સિંદૂર પછી DMKનાં સંસદસભ્ય કનિમોઝીના નેતૃત્વમાં રશિયા, લાતવિયા, સ્લોવેનિયા, ગ્રીસ અને સ્પેનની યાત્રા કરનાર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં અશોક મિત્તલ પણ હતા. ૨૦૨૪માં જ્યારે અરવિંદ કેજરીવાલે જેલમાંથી પાછા ફર્યા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું ત્યારે અશોક મિત્તલે તેમને પોતાનો બંગલો ઑફર કર્યો હતો.

aam aadmi party enforcement directorate new delhi national news news