11 March, 2025 07:00 AM IST | Raipur | Gujarati Mid-day Online Correspondent
ભૂપેશ બઘેલ (ફાઇલ તસવીર)
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ પર મની લૉન્ડ્રિંગ કેસના સંદર્ભે ED (Enforcement Directorate) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે, છત્તીસગઢમાં થયેલા દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસ સંદર્ભે કેન્દ્રીય તપાસ એજન્સીએ (Central Investigative Agency) આ કાર્યવાહી હાથ ધરી છે. EDએ છત્તીસગઢના 14 વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે.
દારૂ કૌભાંડ મામલે EDએ હાથ ધરી તપાસ
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં દારૂ કૌભાંડ સાથે સંબંધિત 14 સ્થળોએ EDએ તપાસ હાથ ધરી છે. આ તપાસ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે સંકળાયેલી છે. ચૈતન્ય બઘેલના નિવાસસ્થાન ઉપરાંત તેમના સહયોગી લક્ષ્મી નારાયણ બન્સલ (પપ્પુ બન્સલ)ના નિવસ્થાને પણ EDની ટીમે દરોડા પાડ્યા છે.
ચૈતન્ય બઘેલ પર આરોપો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણવા મળ્યું કે ચૈતન્ય બઘેલ દારૂ કૌભાંડમાંથી મળેલી રકમનો લાભ મેળવનારાઓમાંનો એક છે. તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ યોજનાઓ દ્વારા કરાયેલા આ કૌભાંડમાં આશરે 2161 કરોડ રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી હતી.
ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા
EDના દરોડા બાદ ભૂપેશ બઘેલના કાર્યાલય તરફથી એક નિવેદન આપવામાં આવ્યું. તેમણે કહ્યું, "સાત વર્ષ પહેલા જે કેસ ખોટો સાબિત થયો અને કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો, એ કેસ માટે ED ફરીથી દરોડા પાડી રહી છે. આજે EDના અધિકારીઓએ ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને પ્રવેશ કર્યો છે" ભૂપેશ બઘેલના કાર્યાલયે વધુમાં કહ્યું કે, "જો કૉંગ્રેસને પંજાબમાં રોકવાનો આ કોઈ ષડયંત્ર છે, તો આ તેમની મોટી ગેરસમજ છે."
2024માં પણ થઈ હતી મોટી કાર્યવાહી
છત્તીસગઢના દારૂ કૌભાંડમાં ચૈતન્ય બઘેલનું નામ અગાઉ પણ સામે આવ્યું હતું. મે 2024માં EDએ આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની કુલ 179 સંપત્તિઓને કબજે કરી હતી. આ સંપત્તિઓની કુલ કિંમત 205.49 કરોડ રૂપિયા હતી.
ભાજપના શહેરી વહીવટ મંત્રી અરુણ સાઓની પ્રતિક્રિયા
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં અરુણ સાઓ છત્તીસગઢના ભાજપના શહેરી વહીવટ મંત્રીએ કહ્યું, "જ્યારે પણ આવી ઘટનાની ચર્ચા થાય છે, ત્યારે કૉંગ્રેસ હંમેશા એકસરખા આરોપો લગાવતી હોય છે. પણ આ હકીકતને કેવી રીતે નકારી શકાય કે ભૂપેશ બઘેલના કાર્યકાળ દરમિયાન મોટા ઘોટાળાઓ થયા હતા? જેમાં તેમના નજીકના અધિકારીઓ અને દારૂ કૌભાંડમાં તે સમયના આબકારી મંત્રી પણ સામેલ હતા. EDની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે.
આ કોઈ અચાનક લેવાયેલું પગલું નથી. લાંબા સમયથી તપાસ ચાલી રહી છે અને જો કોઈ પુરાવા અથવા સત્ય બહાર આવ્યું હોય, તો જ EDએ કાર્યવાહી કરી હશે. જો કોઈ વ્યક્તિ નિર્દોષ છે, તો ડરવાની કે ગભરાવાની જરૂર જ નથી." તેમણે ઉમેર્યું, "કૉંગ્રેસ પોતાની પાર્ટી અને પોતાના મંત્રીઓના બચાવ માટે કંઈ પણ કરી શકે છે. બઘેલ સરકારમાં મોટા કૌભાંડ થયા છે અને તેની તપાસ ચાલી રહી છે તે સત્ય છે અને તેને નકારી શકાય નહીં? તપાસના ભાગરૂપે જ EDએ પૂછપરછ શરૂ કરી છે અને અત્યાર સુધી કોઈ પણ કેસને કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો નથી."