11 March, 2025 10:52 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભૂપેશ બઘેલ અને તેમનાં પત્ની તેમના ઘરે.
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના ઘરે ગઈ કાલે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને એકસાથે કુલ ૧૪ સ્થળે કાર્યવાહી ચાલી રહી છે. બપોરે નોટો ગણવા માટે અધિકારીઓએ મશીનો મગાવ્યાં હતાં. મળતી માહિતી જણાવે છે કે સોનાનું વજન કરવાનાં મશીન પણ મગાવવામાં આવ્યાં હતાં. આ દરોડાની કાર્યવાહી ૨૧૦૦ કરોડ રૂપિયાના શરાબ-કૌભાંડમાં કથિત મની લૉન્ડરિંગને લગતી છે.
સવારે એકસાથે ચાર કારમાં અધિકારીઓની ટીમો ઘરે પહોંચી હતી અને અધિકારીઓ બઘેલના પરિવારજનોની પૂછપરછ કરી રહ્યા છે. અધિકારીઓએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરમાંથી ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ અને દસ્તાવેજ જપ્ત કર્યાં છે. ચૈતન્ય બઘેલને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
દરોડાની કાર્યવાહીને પગલે કૉન્ગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં બઘેલના ઘર પાસે જમા થયા હતા. પોલીસે આ વિસ્તારમાં બંદોબસ્ત વધારી દીધો છે.