04 July, 2025 08:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી સરકારે કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટને પત્ર લખીને એન્ડ ઑફ લાઇફ વેહિકલ અંતર્ગત જૂનાં વાહનોને ફ્યુઅલ ન આપવાના આદેશ પર તાત્પૂરતી રોક લગાવવાની માગણી કરી છે. પર્યાવરણપ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ પત્ર લખીને જણાવ્યું હતું કે જ્યાં સુધી ઑટોમૅટિક નંબરપ્લેટ રેકગ્નિશન સિસ્ટમ પૂરા શહેરમાં બરાબર લાગુ ન થઈ જાય ત્યાં સુધી આ આદેશને રોકવામાં આવે.
રાજ્ય સરકારના આદેશ અંતર્ગત દિલ્હીમાં ૧૦ વર્ષથી જૂની ડીઝલની અને ૧૫ વર્ષથી જૂની પેટ્રોલની કારને ફ્યુઅલ ન આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પર્યાવરણપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે આ આદેશને હમણાં લાગુ નહીં કરાય. તેમણે કહ્યું હતું કે ‘ગાડીઓનું એમની ઉંમરના આધારે નહીં પરંતુ એમાંથી નીકળતા પ્રદૂષણના સ્તરના આધારે આકલન થવું જોઈએ. બીજું, NCRના તમામ ભાગોમાં એકસાથે આ નિયમ લાગુ થવો જોઈએ જેથી કોઈ પણ વાહનચાલકો સાથે ભેદભાવ ન થાય.’