Maharashtra: પાયલોટની તબિયત લથડતાં બાંગ્લાદેશી ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

27 August, 2021 05:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પાયલોટને હાર્ટ અટેક આવતાં બાંગ્લાદેશી ફ્લાઈટનું મહારાષ્ટ્રના નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

વિમાનમાં અચાનક સર્જાયેલી કોઈ ખામીને કારણે કે પછી અન્ય કોઈ કારણોસર અનેક વાર વિમાનને ઈમરજન્સીમાં લેન્ડ કરવાની ફરજ પડતી હોય છે. જો કે આપણે આવી કેટલીય ઘટનાઓ જોઈ હશે અથવા વાંચી હશે. ત્યારે ફરી એક વાર એવી ઘટના સામે આવી છે. બાંગ્લાદેશી એરલાઈનના એક વિમાનને મહારાષ્ટ્રના નાગપુરમાં ઈમરજન્સી લેન્ડ કરવું પડ્યું હતું. 

એક બાંગ્લાદેશી એરલાઈન `બિમાન બાંગ્લાદેશ`  ફ્લાઈટ શુક્રવારે ઢાકાથી મસ્કત જઈ રહી હતી. આ દરમિયાન પાયલોટને હાર્ટ એટેક આવ્યો હતો, જેને કારણે પાયલોટને વિમાનનું નાગપુરમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, જ્યારે પાયલોટની તબિયત બગડી ત્યારે વિમાન રાયપુર નજીક હતું. ત્યાર બાદ કોલકાતા એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) નો ઇમરજન્સી લેન્ડિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો અને વિમાનને નાગપુરમાં તાત્કાલિક લેન્ડ કરવામાં આવ્યુ.


કોલકાતા એટીસીએ વિમાનને તેની નજીકના એરપોર્ટ પર ઉતરવાની સલાહ આપી હતી, જે નાગપુર એરપોર્ટ હતું. ફ્લાઇટ ટ્રેકિંગ એપ Flightradar24 મુજબ આ વિમાન બોઇંગ 737-8 હતું. અહીં એ નોંધવું રહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવાઈ મુસાફરીની મંજૂરી આપ્યા બાદ વિમાન બાંગ્લાદેશ એરલાઈન્સે તાજેતરમાં જ ભારત સાથે ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરી છે.

આ અગાઉ તિરુવનંતપુરમમાં પણ આવી ઘટના સામે આવી હતી. તિરુવનંતપુરમ  એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.  એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સાઉદી અરેબિયા માટે ઉપડી હતી. ટેક ઓફ કર્યા બાદ કાચમાં તિરાડ હોવાની જાણ થતાં ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

 

nagpur maharashtra bangladesh national news