માઉન્ટ એવરેસ્ટ પર જ રહેશે પર્વતારોહક અરુણ તિવારીની ડેડ-બૉડી: મૃતદેહને ઘરે ન લાવવાનો પરિવારનો નિર્ણય

28 May, 2026 10:35 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદના ૫૩ વર્ષના પર્વતારોહક અને ટેક પ્રોફેશનલ અરુણ તિવારીના પરિવારે તેમની ડેડ-બૉડીને માઉન્ટ એવરેસ્ટ પર જ રહેવા દેવાનો નિર્ણય લીધો છે

અરુણ તિવારી

હૈદરાબાદના ૫૩ વર્ષના પર્વતારોહક અને ટેક પ્રોફેશનલ અરુણ તિવારીના પરિવારે તેમની ડેડ-બૉડીને માઉન્ટ એવરેસ્ટ પર જ રહેવા દેવાનો નિર્ણય લીધો છે. ગયા અઠવાડિયે હિલરી સ્ટેપ નજીક એવરેસ્ટ પર્વત ઊતરતી વખતે અરુણ તિવારીએ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ મુદ્દે પરિવારે જણાવ્યું હતું કે આ નિર્ણય ફક્ત નાણાકીય બાબતોને કારણે જ નહીં પરંતુ તેમની ધાર્મિક માન્યતાઓ, હિમાલય પ્રત્યેના તેમના પ્રેમ અને ડેડ-બૉડીને ઘરે પાછા લાવવાની અત્યંત મુશ્કેલ પ્રક્રિયાને કારણે પણ લેવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મૃત્યુ થયું એ સ્થળ ડેથ-ઝોન તરીકે ઓળખાય છે અને ત્યાંથી ડેડ-બૉડીને પાછી લાવવાનું અત્યંત જોખમી માનવામાં આવે છે.

ભારતીય ટીમનું સંચાલન કરતી પાયોનિયર ઍડ્વેન્ચરે શરૂઆતમાં ૮૦૦૦ મીટરથી વધુ ઊંચાઈએથી ડેડ-બૉડીને નીચે લાવવાનો ખર્ચ આશરે ૧.૧ કરોડ રૂપિયા બતાવ્યો હતો. પછી એ ઘટાડીને આશરે ૮૯.૭ લાખ રૂપિયા જણાવવામાં આવ્યો હતો. કંપનીના માલિક નિવેશ કાર્કીએ જણાવ્યું હતું કે ડેડ-બૉડીને પાછી લાવવી એ એવરેસ્ટ સર કરવા કરતાં પણ વધુ જોખમી છે. 
અરુણ તિવારી એવરેસ્ટ સર કરનારી ભારતીય ટીમનો ભાગ હતા, જેમાં ૪૬ વર્ષના સંદીપ આરે પણ સામેલ હતા. એવરેસ્ટ ઊતરતી વખતે સંદીપ આરેનું પણ મૃત્યુ થયું હતું, પરંતુ તેમના શરીરને નીચે લાવી શકાયું કારણ કે તેમનું મૃત્યુ ઓછી ઊંચાઈએ થયું હતું.

અરુણ તિવારીના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રીનો સમાવેશ થાય છે. તેમણે ૨૦૨૫માં પણ એવરેસ્ટ પર ચડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્વાસ્થ્યનાં કારણોસર ૭૨૦૦ મીટરની ઊંચાઈથી પાછા ફરવું પડ્યું હતું. તેમણે આ સીઝનમાં ફરી પ્રયાસ કર્યો હતો.

અરુણ તિવારીના સાળા સુધીર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘પરિવારે ધાર્મિક માન્યતાઓ અને હિમાલયના આધ્યાત્મિક મહત્ત્વને કારણે મૃતદેહ પાછો ન લાવવાનો નિર્ણય લીધો હતો. આપણા ધાર્મિક ગ્રંથોમાં હિમાલયને દેવી પાર્વતીના પિતા માનવામાં આવે છે. ત્યાં મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠધામ જાય છે. તેમને પૃથ્વી પર પાછા લાવવાનું પાપ માનવામાં આવે છે.’

national news india hyderabad mount everest