સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનું ૧૧૪ વર્ષની ઉંમરે નિધન, જલંધરમાં ઘરની બહાર કારે મારી ટક્કર

15 July, 2025 09:21 AM IST  |  Jalandhar | Gujarati Mid-day Online Correspondent

Marathon Runner Fauja Singh death: વિશ્વના વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનું જલંધરમાં નિધન; ૧૧૪ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ; ઘરની બહાર જ થયો અકસ્માત

ફૌજા સિંહ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહ (Fauja Singh)નું ૧૧૪ વર્ષની વયે અવસાન થયું. તેઓ જલંધર (Jalandhar)માં તેમના ઘરની બહાર ચાલી રહ્યા હતા ત્યારે એક કારે તેમને ટક્કર મારી હતી. ટક્કરમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થયું.

સોમવારે ૧૪ જુલાઈના રોજ પંજાબ (Punjab)ના જલંધર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં વિશ્વ વિખ્યાત મેરેથોન દોડવીર ફૌજા સિંહનું અવસાન (World’s oldest Marathon Runner Fauja Singh dies) થયું. તેઓ ૧૧૪ વર્ષના હતા અને તેમના વતન ગામ બિયાસ (Beas)માં ફરવા માટે નીકળ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમને જલંધરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સાંજે તેમનું અવસાન થયું. આ દુ:ખદ ઘટનાની પુષ્ટિ જલંધર પોલીસ (Jalandhar Police) અને તેમના જીવન પર `ટર્બન્ડ ટોર્નેડો` (Turbaned Tornado) પુસ્તક લખનારા લેખક ખુશવંત સિંહ (Khushwant Singh)એ કરી છે.

આદમપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને હજી સુધી તેની ઓળખ થઈ નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાના આધારે વાહન અને ડ્રાઈવરની શોધ કરી રહી છે. આ ઘટના બપોરે સોમવારે બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે, જ્યારે ફૌજા સિંહ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.

કોણ છે ફૌજા સિંહ?

૧ એપ્રિલ, ૧૯૧૧ના રોજ પંજાબના જલંધરના બિયાસ ગામમાં જન્મેલા ફૌજા સિંહ ખેડૂત પરિવારના ચાર બાળકોમાં સૌથી નાના હતા. તેમના પગમાં કોઈ સમસ્યા હતી, જેના કારણે તેઓ પાંચ વર્ષની ઉંમર સુધી ચાલી શકતા ન હતા. પરંતુ જ્યારે તેઓ દોડતા હતા, ત્યારે તેઓ પોતાની ઉંમરને પાછળ છોડીને દોડતા હતા.

ફૌજા સિંહનું બાળપણ સરળ નહોતું. તેમના પરિવારને લાગતું હતું કે, તેઓ પાંચ વર્ષની ઉંમર સુધી ચાલી શકતા ન હોવાથી તેઓ અપંગ હતા. પાતળા અને નબળા પગને કારણે તેઓ ભાગ્યે જ લાંબા અંતર સુધી ચાલી શકતા હતા. તેમણે પોતાના પરિવાર માટે ખેતી શરૂ કરી. તેમના લગ્ન જ્ઞાન કૌર સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ હતી. તેઓ વર્ષ ૧૯૯૨માં ઇંગ્લેન્ડ (England) ગયા.

૧૯૯૯માં ૮૯ વર્ષની ઉંમરે ફૌજા સિંહે ચેરિટી માટે મેરેથોનમાં ભાગ લેવાનું નક્કી કર્યું. તેમણે લંડન (London), ટોરોન્ટો (Toronto) અને ન્યુ યોર્ક (New York)માં નવ વખત ૨૬ માઇલની ફુલ મેરેથોન પૂર્ણ કરી છે. તેમનો શ્રેષ્ઠ સમય ટોરોન્ટોમાં હતો. અહીં તેમણે પાંચ કલાક અને ૪૦ મિનિટમાં પોતાની દોડ પૂરી કરી. ૧૦૧ વર્ષની ઉંમરે, વિશ્વના સૌથી વૃદ્ધ દોડવીર ફૌજા સિંહે આંતરરાષ્ટ્રીય મેરેથોન સ્પર્ધામાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

હોંગકોંગ (Hong Kong)માં યોજાયેલી મેરેથોન તેમના જીવનની છેલ્લી દોડ હતી. ફૌજા અહીં કોઈ મેડલ જીતી શક્યા નહીં, પરંતુ હંમેશની જેમ તેમણે દોડ પૂર્ણ કરી. તેમણે ૧૦ કિમીની છેલ્લી દોડ ૧ કલાક ૩૨ મિનિટ અને ૨૮ સેકન્ડમાં પૂર્ણ કરી. જોકે, આ સમય દરમિયાન તેઓ પોતાના વ્યક્તિગત રેકોર્ડને સ્પર્શ પણ કરી શક્યા નહીં. ૧૬ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ, તેઓ ૮ કલાક ૧૧ મિનિટ અને ૬ સેકન્ડમાં ટોરોન્ટો મેરેથોન પૂર્ણ કરીને વિશ્વના પ્રથમ ૧૦૦ વર્ષીય દોડવીર બન્યા. જોકે, જન્મ પ્રમાણપત્રના અભાવે તેમનો રેકોર્ડ ગિનિસ બુક (Guinness World Records)માં નોંધાઈ શક્યો નહીં. જુલાઈ ૨૦૧૨માં યોજાયેલી ઓલિમ્પિક (Olympic)માં ફૌજા સિંહ ઓલિમ્પિક મશાલ સાથે દોડ્યા હતા. વર્ષ ૨૦૧૫માં તેમને બ્રિટિશ એમ્પાયર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

પોતાની ફિટનેસ અંગે, ફૌજા સિંહ કહેતા હતા કે, ‘હું દરેક પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહું છું અને દરરોજ પંજાબી પિન્ની ખાઉં છું. પિન્ની ખાધા પછી એક ગ્લાસ નવશેકું પાણી. હું રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ લઉં છું અને દરેક ઋતુમાં ખોરાક સાથે દહીં ચોક્કસ લઉં છું. આ મારા સ્વાસ્થ્યનું સૌથી મોટું રહસ્ય છે.’

દુનિયા ફૌજા સિંહની હિંમતને સલામ કરે છે. તેમને ‘ટર્બન ટોર્નાડો’, ‘રનિંગ બાબા’ અને ‘શીખ સુપરમેન’ કહેવામાં આવે છે.

celebrity death jalandhar punjab national news news road accident