15 July, 2026 06:49 PM IST | Chhatarpur | Gujarati Mid-day Online Correspondent
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (સૌજન્ય: મિડ-ડે)
બાગેશ્વર ધામ નજીક આવળે કોંડા ગામમાં જમીન વિવાદ દરમિયાન થયેલી ફાયરિંગ મામલે પોલીસ FIR નોંધાઈ છે. આ FIRમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગ સહિત ચાર લોકો સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. ઘાયલ ખેડૂત મોતીલાલ ઉર્ફે મોતી કુશવાહાએ શાલિગ્રામ ગર્ગ સહિત ચારેય પર હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો છે. રાજનગર પોલીસ સ્ટેશને શાલિગ્રામ ગર્ગ, અંકિત મિશ્રા, સતીશ ઘોષી અને એક અજાણ્યા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
FIR મુજબ, 14 જુલાઈએ બપોરે લગભગ 1 વાગ્યે અંકિત મિશ્રા, સતીશ ઘોષી અને અન્ય એક શખ્સ મોતીલાલના ઘરે પહોંચ્યો હતો. તેણે કહ્યું કે `છોટે સરકાર` તરીકે ઓળખાતા શાલિગ્રામ મહારાજ તેને પ્રાથમિક શાળા પાસે બોલાવી રહ્યા છે. ત્યારબાદ મોતીલાલ પોતાના નાના ભાઈ અમન અને માતા શાંતિ કુશવાહા સાથે ત્યાં પહોંચ્યો. ફરિયાદ મુજબ, ત્યાં પહોંચતાની સાથે જ શાલિગ્રામ ગર્ગે ગાળો બોલવાની શરૂઆત કરી. આરોપ છે કે ત્યારબાદ તેણે પોતાના સાથીઓને લાકડીઓ કાઢીને હુમલો કરવાનો આદેશ આપ્યો. તે પછી ત્રણેય લોકોએ મળીને મોતીલાલ પર લાકડીઓ અને ડંડાથી હુમલો કર્યો હોવાનું FIRમાં જણાવાયું છે.
FIRમાં મોતીલાલે આરોપ મૂક્યો છે કે મારપીટ દરમિયાન શાલિગ્રામ ગર્ગે પિસ્તોલ કાઢી તેના પેટ પાસે રાખીને ગોળી ચલાવી હતી. આ ગોળી તેની છાતીના નીચેના ભાગમાં જમણી તરફ વાગી હતી. ગોળી વાગતાં જ મોતીલાલ ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. બૂમાબૂમ સાંભળીને પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોને આવતાં જોઈ આરોપીઓ પોતાની ગાડી ત્યાં જ છોડીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘાયલ મોતીલાલને તરત જ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મોતીલાલે દાવો કર્યો છે કે આ વિસ્તારમાં ખેડૂતો પર તેમની જમીન વેચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેના કહેવા મુજબ, જે ખેડૂતો જમીન વેચવાનો ઇનકાર કરે છે, તેને ધમકાવવામાં આવે છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે.
આ સમગ્ર મામલે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેમના ભાઈ શાલિગ્રામ સાથે આ મામલામાં તેમનો કોઈ સંબંધ નથી. તેમણે જણાવ્યું કે આ વાત તેઓ ત્રણ વર્ષ પહેલાં પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. બાગેશ્વર બાબાએ અપીલ કરી કે દરેક ઘટનામાં તેમનું નામ જોડવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે તેમનો પરિવાર માત્ર તેમના સગા-સંબંધીઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજ અને વિશ્વને તેઓ પોતાનો પરિવાર માને છે. તેમણે ઉમેર્યું કે તેઓ સમાજ, રાષ્ટ્ર અને સનાતન ધર્મ માટે કામ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, છતરપુર જિલ્લો અને તેમનો પરિવાર બંને મોટા હોવાથી અલગ-અલગ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. તેથી દરેક ઘટનાને વ્યક્તિગત રીતે તેમની સાથે જોડવી યોગ્ય નથી.
બાગેશ્વર બાબાએ કહ્યું કે જે કોઈ પણ આ ઘટનામાં દોષી હશે, તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું, "જે દોષિત છે તેને કાયદો કડકમાં કડક સજા કરે અને ભગવાન પણ તેને યોગ્ય દંડ આપે." સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી નથી, તેથી તમામ હકીકતો જાણ્યા વગર તેઓ વધુ કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.