21 April, 2026 12:28 PM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગુવાહાટીમાં સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સે લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા
રવિવારે સાંજથી આસામના ગુવાહાટી શહેર અને આસપાસનાં ગામોમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. રવિવારે આખી રાત ભારે વરસાદ થતાં ગુવાહાટી પાસેનાં ગામો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. હાઇવે પર પણ પાણી ભરાઈ ગયાં હતાં. જોકે ભારે વરસાદને કારણે બહુ ઓછા લોકો બહાર નીકળ્યા હતા. તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ-કૉલેજો ગઈ કાલે બંધ રહી હતી અને હજી આજે અને આવતી કાલે આસામમાં ખરાબ મોસમ જ રહેશે. ગુવાહાટીની આસપાસ બે દિવસ સુધી વરસાદી રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
રવિવારે રાતે માલીગાંવમાં એક મહિલા લપસીને નાળામાં પડી જતાં મૃત્યુ પામી હતી. ખુલ્લા નાળામાં પડ્યા પછી સવારે તેનું શબ ૧૫૦ મીટર દૂરના નાળામાં મળી આવ્યું હતું. ગુવાહાટી પોલીસ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની રેસ્ક્યુ ટીમોએ ઑપરેશન શરૂ કરી દીધું છે.