22 June, 2025 07:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઍર ઇન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનરના અકસ્માત પછી એના બે ભૂતપૂર્વ ફ્લાઇટ અટેન્ડન્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે અને એમાં જણાવાયું છે કે ગયા વર્ષે બોઇંગ 787 ડ્રીમલાઇનરના દરવાજામાં લંડનમાં ટેક્નિકલ ખામી જોવા મળ્યા બાદ તેમણે આ વાત ઍર ઇન્ડિયાના મૅનેજમેન્ટને કરી હતી, પણ તેમની આ વાત ધ્યાનમાં લેવાને બદલે તેમને માત્ર ૪૮ કલાકમાં નોકરીમાંથી અન્યાયી રીતે બરતરફ કરવામાં આવ્યા હતા. આ આરોપો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટના જીવલેણ અકસ્માત પછી ઉડ્ડયન સલામતી વધુ તપાસ હેઠળ આવી છે.
આ ઘટના ક્યારે બની?
ફ્લાઇટ અટેન્ડન્ટ્સે લખેલા પત્રમાં જણાવ્યું છે કે આ ઘટના એક વર્ષ પહેલાં ૨૦૨૪ની ૧૪ મેએ મુંબઈથી લંડન જતી ફ્લાઇટ AI-129 (બોઇંગ 787 VT-ANQ)માં હીથ્રો ખાતે ડૉક થયા પછી બની હતી. ફ્લાઇટ અટેન્ડન્ટ્સનો આરોપ છે કે ‘મુસાફરો ઊતરી ગયા બાદ એકાએક પ્લેનનો સ્લાઇડ રાફ્ટ અણધારી રીતે ખૂલ્યો હતો. આવું થવું શક્ય નથી, કારણ કે દરવાજો મૅન્યુઅલ મોડમાં ખોલવામાં આવ્યો હતો, કોઈ ઇમર્જન્સી પરિસ્થિતિ નહોતી. સ્લાઇડ રાફ્ટ માત્ર એવા સમયે જ ખૂલે છે જ્યારે દરવાજો ‘આર્મ્ડ’ અથવા ‘ઑટોમૅટિક’ મોડમાં હોય છે.’
તેમનાં પ્રારંભિક નિવેદનોને કૅપ્ટન અને કૅબિન-ઇન-ચાર્જ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. તેમણે ખામીની પુષ્ટિ કરી હતી. જોકે ફ્લાઇટ અટેન્ડન્ટ્સનો દાવો છે કે બાદમાં ઍર ઇન્ડિયા મૅનેજમેન્ટે તેમનાં નિવેદનો બદલવા માટે દબાણ કર્યું હતું. તેમણે એનો ઇનકાર કરતાં તેમને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી અને ૪૮ કલાકની અંદર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો
વડા પ્રધાનને લખેલા પત્રમાં ફ્લાઇટ અટેન્ડન્ટ્સે આરોપ લગાવ્યો છે કે ‘૧૨ જૂને અમદાવાદમાં થયેલા અકસ્માતના બરાબર એક વર્ષ પહેલાં અમને બરતરફ કરવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમારા પર ભારે દબાણ હોવા છતાં અમે અમારાં નિવેદનો બદલવાનો ઇનકાર કર્યો હતો.’
તેમણે ત્રણ વરિષ્ઠ અધિકારીઓનાં નામ પણ લીધાં છે. અટેન્ડન્ટ્સે એવો પણ દાવો કર્યો હતો કે પાઇલટે પાછળથી પોતાનું નિવેદન બદલ્યું હતું. તેણે કહ્યું હતું કે તે દરવાજો ખોલતી વખતે જોઈ રહ્યો નહોતો.
૨૦ વર્ષની નોકરી
ઍર ઇન્ડિયામાં ૨૦ વર્ષથી વધુ સમય સુધી સેવા આપનારા અટેન્ડન્ટ્સે તેમના પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઍરલાઇન અને ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) બન્નેએ લંડનમાં ડ્રીમલાઇનર સાથે બનેલી ઘટનાને દબાવી દીધી હતી. ડ્રીમલાઇનર વિમાનને લગતી અન્ય સમાન ખામીઓને પણ દબાવી દેવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે મુદ્દાની ગંભીરતા હોવા છતાં DGCAએ ફક્ત અનૌપચારિક તપાસ શરૂ કરી હતી અને કોઈ તારણો શૅર કર્યાં નહોતાં. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ઘટના દરમ્યાન હાજર મુખ્ય સાક્ષીઓને તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ ફરિયાદ સૌપ્રથમ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં દાખલ કરવામાં આવી હતી.
શું છે સ્લાઇડ રાફ્ટ?
ઍરક્રાફ્ટ સ્લાઇડ રાફ્ટ એ એક ફુલાવી શકાય એવી સ્લાઇડ છે જેનો ઉપયોગ કટોકટી વખતે પૅસેન્જરોને વિમાનમાંથી બહાર કાઢવા માટે થાય છે. જો વિમાનને પાણીમાં ઉતારવું પડે એવું હોય તો સ્લાઇડ રાફ્ટ એક લાઇફ રાફ્ટ તરીકે પણ કાર્ય કરી શકે છે. એ મૂળભૂત રીતે ટૂ-ઇન-વન સલામતી ઉપકરણ છે જે વિમાનમાંથી જમીન પર બહાર નીકળી જવાનું સાધન અને દરિયામાં ટકી રહેવા માટે તરતું પ્લૅટફૉર્મ પણ પૂરું પાડે છે. સ્લાઇડ રાફ્ટ જમીન પર કટોકટી માટે સ્થળાંતર સ્લાઇડ તરીકે કામ કરે છે, જે મુસાફરોને વિમાનમાંથી ઝડપથી જમીન પર નીચે ઊતરવાની મંજૂરી આપે છે. પાણીમાં ઉતરાણની સ્થિતિમાં સ્લાઇડ વિમાનથી અલગ થઈ જાય છે અને લાઇફ રાફ્ટ બની જાય છે.