20 October, 2025 07:12 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રજ્ઞા સિંહ ઠાકુર
ભોપાલનાં ભૂતપૂર્વ સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મનમરજીથી બીજા ધર્મના યુવકો સાથે લગ્ન કરનારી છોકરીઓ પર માતા-પિતાએ કન્ટ્રોલ કઈ રીતે રાખવો એની સલાહ એક કાર્યક્રમમાં આપી હતી. ભોપાલના એક ધાર્મિક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે માતા-પિતાએ પોતાની દીકરીઓને વિધર્મીઓ સાથે જતી રોકવી જોઈએ. વાઇરલ વિડિયોમાં તેઓ કહેતાં જોવા મળે છે કે ‘જો આપણી છોકરી કોઈ બીજા ધર્મના યુવકને ત્યાં જવાનો પ્રયાસ કરે તો તેના ટાંટિયા ભાંગી નાખવામાં પણ કસર ન રાખવી, કેમ કે જે સંસ્કારો વિશે વાત કરવાથી નથી માનતી તેને સમજાવવા મારપીટ કરવી પડે તો કરવી. આપણે ત્યાં દીકરી પેદા થાય છે તો કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી આવી છે, પણ આ જ દીકરી મોટી થઈને બીજા ધર્મની બનવા નીકળી પડે છે. આવી દીકરી જે જિદ્દી છે, જે સંસ્કારોમાં નથી માનતી, માતા-પિતાનું કહ્યું નથી માનતી, મોટાનો આદર નથી કરતી અને ઘરેથી ભાગવા તૈયાર છે તેના માટે સતર્ક રહો. આવી દીકરીને મારીને કે ખિજાઈને પણ ઘરેથી જવા ન દો.’
મુસ્લિમ જમાઈઓવાળા BJPના નેતાઓ શું કરશે? : કૉન્ગ્રેસનો સવાલ
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદન પછી મધ્ય પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના ચીફ જીતુ પટવારીના સલાહકાર કે. કે. મિશ્રાએ મુસ્લિમ જમાઈઓવાળા નેતાઓનાં નામ ગણાવીને કહ્યું હતું કે ‘જો બીજા ધર્મમાં લગ્ન કરતી છોકરીના ટાંટિયા તોડી નાખવાના હોય તો શું તમે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને સંઘના રામલાલજીની ભત્રીજીઓ, સુબ્રમણ્યમ સ્વામીની દીકરી જેવા ડઝનબંધ BJP નેતાઓના પરિવારજનોના ટાંટિયા તોડવા જશો? કેમ કે આ નેતાઓના પરિવારોમાં ઘણાએ બીજા ધર્મના લોકો સાથે લગ્ન કર્યાં છે.’