07 July, 2025 09:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ
ચંદ્રચૂડની મોટી પુત્રીને નેમાલાઇન માયોપેથી નામનો દુર્લભ આનુવંશિક રોગ, ફાળવવામાં આવેલા બંગલામાં ICU જેવું સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે, એ તૈયાર થતાં બંગલો ખાલી કરશે
એક અભૂતપૂર્વ પગલામાં સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રે કેન્દ્ર સરકારને પત્ર લખીને ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય. ચંદ્રચૂડને તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરાવવા માટે વિનંતી કરી છે. કોર્ટ વહીવટી તંત્રે કેન્દ્રીય ગૃહમંત્રાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે કૃષ્ણ મેનન માર્ગ પરના બંગલા નંબર પાંચને તાત્કાલિક સુપ્રીમ કોર્ટના હાઉસ પુલમાં પાછો લઈ જવામાં આવે. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે, કારણ કે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે નિયમ 3B હેઠળ નિર્ધારિત સમય કરતાં વધુ સમય વિતાવ્યો છે.
નિવૃત્તિને આઠ મહિના થયા
ભારતના ૫૦મા ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ ૨૦૨૪ની ૧૦ નવેમ્બરે નિવૃત્ત થયા હતા. ચંદ્રચૂડને આપવામાં આવેલી રહેઠાણ પરવાનગી ૨૦૨૫ની ૩૧ મેએ સમાપ્ત થઈ ગઈ હતી અને ૨૦૨૨ નિયમોના નિયમ 3Bમાં આપવામાં આવેલ છ મહિનાનો સમયગાળો ૨૦૨૫ની ૧૦ મેએ સમાપ્ત થઈ ગયો હોવા છતાં તેઓ હજી પણ બંગલામાં રહે છે જેને સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્ર નિયમોનું ઉલ્લંઘન માને છે.
પહેલી જુલાઈએ પત્ર લખ્યો
સુપ્રીમ કોર્ટ તરફથી ૧ જુલાઈના રોજ મિનિસ્ટ્રી ઑફ હોમ ઍન્ડ અર્બન અફેર્સ (MoHUA)ને મોકલવામાં આવેલા પત્રમાં માગણી કરવામાં આવી છે કે લુટિયન્સ દિલ્હીમાં કૃષ્ણ મેનન માર્ગ પરનો બંગલો ભારતના વર્તમાન CJI માટે નિયુક્ત નિવાસસ્થાન છે, એને તાત્કાલિક ખાલી કરવામાં આવે. ચંદ્રચૂડ પદ છોડ્યાના લગભગ આઠ મહિના પછી હાલમાં ટાઇપ VIII બંગલામાં રહે છે. તેમના બાદ નિયુક્ત થયેલા બે CJI જસ્ટિસ સંજીવ ખન્ના અને વર્તમાન CJI ભૂષણ આર. ગવઈએ લુટિયન્સ પરિસરમાં ન રહેવાનું પસંદ કર્યું, એના બદલે તેમના અગાઉ ફાળવવામાં આવેલા બંગલામાં રહેવાનું પસંદ કર્યું.
દીકરીની સારવાર માટે બંગલો નથી છોડ્યો : ચંદ્રચૂડ
ભૂતપૂર્વ CJI ચંદ્રચૂડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વિલંબ માટે વ્યક્તિગત સંજોગોને જવાબદાર ગણાવ્યા હતા જેની સંપૂર્ણ માહિતી સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રને આપવામાં આવી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે સરકારે તેમને તુઘલક રોડ પર ૧૪ નંબરનો બંગલો ફાળવ્યો છે, પરંતુ એ ઘણાં વર્ષોથી બંધ હતો અને એને વ્યાપક સમારકામની જરૂર છે. અમારો સામાન પૅક થઈ ગયો છે. ઘર તૈયાર થતાં જ હું બીજા જ દિવસે શિફ્ટ થઈ જઈશ.
નિવૃત્ત થયાના એક મહિના પછી ૧૮ ડિસેમ્બરે ચંદ્રચૂડે તત્કાલીન CJI ખન્નાને પત્ર લખીને ૨૦૨૫ની ૩૦ એપ્રિલ સુધી આ બંગલામાં રહેવાની પરવાનગી માગી હતી. તત્કાલીન CJIની મંજૂરીને પગલે, MoHUAએ ૨૦૨૪ની ૧૧ ડિસેમ્બરથી ૨૦૨૫ની ૩૦ એપ્રિલ સુધી જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા કૃષ્ણ મેનન માર્ગ પરના ટાઇપ VIII બંગલાને ૫૪૩૦ રૂપિયા પ્રતિ માસ લાઇસન્સ ફી ચૂકવીને જાળવી રાખવાની મંજૂરી આપી હતી. એપ્રિલના અંતમાં તેમણે જૂન સુધી વધુ સમય માગ્યો હતો, કારણ કે તેમની મોટી પુત્રી નેમાલાઇન માયોપેથી નામના દુર્લભ આનુવંશિક રોગથી પીડાઈ રહી છે. હાલના બંગલામાં તેમના માટે ICU જેવું સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે.