ઈસરોના ભૂતપૂર્વ ચીફનું નિધન: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, માન્યો આભાર

26 April, 2025 06:58 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Former ISRO Chief Dr. Kasturirangan Passes Away: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ ચીફ ડૉ. કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. અધિકારીઓએ જણાવ્યું કે કસ્તુરીરંગને બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.

પીએમ મોદી અને ડૉ. કસ્તુરીરંગન (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (Indian Space Research Organisation)ના ભૂતપૂર્વ ચીફ ડૉ. કે. કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. અધિકારીઓએ જણાવ્યું કે કસ્તુરીરંગને બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. 27 એપ્રિલના રોજ, તેમના પાર્થિવ દેહને દર્શન માટે રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) ખાતે રાખવામાં આવશે. કસ્તુરીરંગનને બે વર્ષ પહેલાં હાર્ટ ઍટેક આવ્યો હતો અને ત્યારથી તે બીમાર રહેતા હતા. કસ્તુરીરંગન 1994 થી 2003 સુધી ઈસરોના ચીફ હતા. તેમના નેતૃત્વમાં ઈસરોએ ચંદ્રયાન જેવા મોટા મિશનની યોજના બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ નવી શિક્ષણ નીતિ (National Education Policy)ની ડ્રાફટિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા.

યુપીએ સરકારમાં પ્લાનિંગ કમિશનના સભ્ય હતા
કસ્તુરીરંગન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચાન્સલર અને કર્ણાટક નૉલેજ કમિશનના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 2003 થી 2009 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. કસ્તુરીરંગને યુપીએ સરકાર દરમિયાન પ્લાનિંગ કમિશનના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. કસ્તુરીરંગન એપ્રિલ 2004 થી 2009 સુધી બેંગલુરુ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના ડિરેક્ટર પણ હતા. તેમણે કેન્દ્રની અનેક સમિતિઓનું નેતૃત્વ કર્યું અથવા તેમનો ભાગ રહ્યા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ, ટેકનૉલોજી અને પર્યાવરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકારને સલાહ આપી.

એક્સપરિમેન્ટલ અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ પ્રૉજેક્ટના ડિરેક્ટર હતા
1994માં ઈસરોના ચીફ બનતા પહેલા તેઓ ઈસરોના સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર હતા. અહીં તેમણે ન્યુ જનરેશન સ્પેસક્રાફ્ટ, ઇન્ડિયન નેશનલ સેટેલાઈટ (INSAT-2) અને દેશના પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ IRS-1A અને IRS-1Bની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને લૉન્ચિંગ પર કામ કર્યું. આ ઉપરાંત, તેઓ ભારતના પ્રથમ બે એક્સપરિમેન્ટલ અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ ભાસ્કર-1 અને ભાસ્કર-2ના પ્રૉજેક્ટ ડિરેક્ટર પણ હતા. ISROના ચીફ તરીકે તેઓ દેશના ઘણા મહત્ત્વપૂર્ણ સ્પેસ પ્રૉગ્રામસના ભાગ રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ (PSLV)નું લૉન્ચિંગ અને જીયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ (GSLV) નું પ્રથમ સફળ પરીક્ષણ થયું અને વિશ્વના શ્રેષ્ઠ સિવિલિયન સેટેલાઈટ IRS-1C અને IRS-1Dની ડિઝાઇન, વિકાસ અને લૉન્ચિંગ થયું. ઉપરાંત, તેમના નેતૃત્વ હેઠળ બીજી અને ત્રીજી જનરેશન INSAT સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા હતા અને મહાસાગરોનું નિરીક્ષણ કરવા માટે IRS-P3 અને IRS-P4 જેવા ઓશન ઑબ્ઝર્વેશન સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા હતા.

NEP માટે દેશ કસ્તુરીરંગનના આભારી રહેશે: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભારતની વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વ ડૉ. કે. કસ્તુરીરંગનના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમનું દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્ર પ્રત્યે નિઃસ્વાર્થ યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે ISRO માં ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ભારતના સ્પેસ પ્રૉગ્રામને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. તેમના નેતૃત્વ હેઠળ ઘણી મહત્ત્વપૂર્ણ સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ (NEP) માટે ભારત હંમેશા ડૉ. કસ્તુરીરંગનનો આભારી રહેશે. તેઓ ઘણા યુવા વૈજ્ઞાનિકો અને રિસર્ચ સ્કૉલર્સ માટે માર્ગદર્શક હતા. તેમના પરિવાર, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના.

isro indian space research organisation narendra modi social media twitter celebrity death national news news