20 February, 2026 09:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે ઇમૅન્યુઅલ મૅક્રૉન
AI ઇમ્પૅક્ટ સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉને ભારતની ડિજિટલ બૅન્કિંગ સિસ્ટમનાં અને UPIનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘ભારત ગ્લોબલ સાઉથમાં AI ક્રાન્તિનું નેતૃત્વ કરી રહ્યું છે. આજે ભારતની ડિજિટલ ઉપલબ્ધિઓ દુનિયા માટે મિસાલરૂપ છે. એક દશક પહેલાંની વાત કરીએ તો મુંબઈમાં એક સ્ટ્રીટ-વેન્ડર પોતાનું બૅન્ક-ખાતું ખોલાવી નહોતો શકતો, કેમ કે તેની પાસે સ્થાયી સરનામું અને જરૂરી દસ્તાવેજો નહોતાં. જોકે આજે એ જ સ્ટ્રીટ-વેન્ડર ફોન પર તરત ડિજિટલ પેમેન્ટ લે છે. આ માત્ર ટેક્નૉલૉજીની કહાણી નથી, એક સંસ્કૃતિની કહાણી છે.’
UPIનાં વખાણ કરતાં મૅક્રૉને કહ્યું હતું કે ‘ભારતે કંઈક એવું બનાવ્યું છે જે દુનિયાના કોઈ પણ દેશે નથી બનાવ્યું. ૧.૪ અબજ લોકો માટે એક ડિજિટલ આઇડેન્ટિટી, એક પેમેન્ટ-સિસ્ટમ જે હવે દર મહિને ૨૦ અબજ ટ્રાન્ઝૅક્શન પ્રોસેસ કરે છે. હવે ભારત AIના માધ્યમથી બદલાઈ રહ્યું છે. એના ત્રણ આયામ છે : મૉડલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટૅલન્ટ. ભારત દર વર્ષે લાખો AI એન્જિનિયર્સ ટ્રેઇન કરે છે. ૫,૦૦,૦૦૦ એન્જિનિયરોની સાથે ભારત દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ડેવલપર કમ્યુનિટી છે. અહીં જ ભારતીય મૉડલ સાચા અર્થમાં ક્રાન્તિકારી છે.’
ભારતની આ વિઝિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉને ભારત-ફ્રાન્સ વચ્ચે રફાલ જેટને લઈને પણ મોટી ડીલ સાઇન કરી છે. જોકે આ મામલે ભારતમાં વિરોધ પક્ષો દ્વારા ટીકા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સહિયારી પ્રેસ-કૉન્ફરન્સમાં જ્યારે રફાલ વિશે સવાલ આવ્યો ત્યારે ભારતને ઘેરનારાઓ માટે મૅક્રૉને કહ્યું હતું કે ‘આ ડીલ ભારતને મજબૂત બનાવે છે. એ નવા રોજગાર પેદા કરશે અને બન્ને દેશો વચ્ચેની સ્ટ્રૅટેજિક ભાગીદારી પણ વધુ મજબૂત બનવાની છે. અમે હંમેશાં ડીલમાં ભારતીય ઘટકોની સંખ્યા વધારી રહ્યા છીએ. આ ડીલ અંતર્ગત મોટા ભાગે ભારતીય સામાન જ વપરાવાનો છે. મને સમજાતું નથી કે જે ડીલથી પોતાનો દેશ મજબૂત થવાનો હોય એની કોઈ આલોચના કેમ અને કેવી રીતે કરી શકે?’