23 March, 2025 12:53 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામનાર સસરા પાતી સિંહ.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શુક્રવારે રાતે ૬૮ વર્ષના પાતી સિંહની હત્યા તેની પુત્રવધૂ આરતીએ બૅટ ફટકારીને કરી હતી. આ હત્યાકાંડમાં પોલીસે પાતી સિંહની વહુની ધરપકડ કરી હતી.
પાતી સિંહના ઘરમાં રહેતી અનુરાધા નામની ભાડૂતે શુક્રવારે રાતે ૯ વાગ્યે પાતી સિંહને નગ્ન અવસ્થામાં લોહીથી લથપથ અવસ્થામાં જોયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે પાતી સિંહના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો હતો.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પાતી સિંહની પત્નીનું પહેલાં જ મૃત્યુ થયું હતું અને તેમના દીકરા જિતેન્દ્રનું મૃત્યુ પણ કોરોના રોગચાળા વખતે થયું હતું. પ્રૉપર્ટીના વિવાદના પગલે પાતી સિંહની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે.
બીજી તરફ પાડોશીઓના જણાવ્યા મુજબ ઘટનાની રાતે આરતી અને તેની પિતરાઈ બહેનનો પાતી સિંહ સાથે ઝઘડો થયો હતો ત્યાર બાદ ક્રિકેટના બૅટથી માર મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. એવી પણ જાણકારી મળે છે કે પાતી સિંહને ઘણી મહિલાઓ સાથે સંબંધ હતા અને ઘટનાની રાતે તેણે પુત્રવધૂ આરતીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતાં આરતીએ ટીવીનો અવાજ મોટો કરી બૅટથી સસરાને ઝૂડી નાખ્યા હતા જેમાં તેમનું મૃત્યુ થયું હતું.