13 August, 2026 10:29 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation - DGCA) ને ફ્લાઈટ ક્રૂ માટે સાયકોએક્ટિવ પદાર્થોના પરીક્ષણ માટેના માળખાની સમીક્ષા કરવા અને તેને વધુ મજબૂત બનાવવાની સૂચના આપી છે. આ નિર્દેશ એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટના પાયલોટ-ઈન-કમાન્ડ (PIC) ના કન્ફર્મેટરી ડ્રગ ટેસ્ટમાં કાનૂની રીતે પ્રતિબંધિત ગાંજા (મેરિજુઆના) ની હાજરી પોઝિટિવ આવ્યા બાદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ એરક્રાફ્ટ મધ્ય આકાશમાં અચાનક ૩૦૦ ફીટ નીચે આવી ગયું હતું, જેમાં ૨૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના ૪ ઓગસ્ટે ફુકેટ (Phuket) થી દિલ્હી (New Delhi) આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379 (એરબસ A320) માં બની હતી, જેમાં ૧૩૭ મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફ્લાઈટ દરમિયાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં વિમાન અચાનક ૩૦૦ ફીટ નીચે ખાબક્યું હતું, જેના કારણે દિલ્હીમાં સકુશળ લેન્ડિંગ પહેલાં ૨૦ મુસાફરો અને ૪ કેબિન ક્રૂ મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના પછીના ધોરણસરના સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, પાયલોટ-ઈન-કમાન્ડ અને કો-પાયલોટ બંનેનો બ્રેથલાઈઝર અને સાયકોએક્ટિવ પદાર્થોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક બ્રેથલાઈઝર ટેસ્ટમાં અલ્કોહોલનું પ્રમાણ નેગેટિવ આવ્યું હતું, પરંતુ પાયલોટ-ઈન-કમાન્ડના યુરીન અને હેર સેમ્પલના સ્ક્રીનિંગમાં પરિણામ "નોન-નેગેટિવ" આવ્યું હતું. ત્યારબાદ પ્રમાણિત લેબોરેટરીમાં કરાયેલી કન્ફર્મેટરી તપાસમાં ટેટ્રાહાઇડ્રોકાનાબિનોલ (THC/ગાંજો) ની હાજરીની પુષ્ટિ થઈ હતી. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નિયામક દ્વારા બંને પાયલોટોને તુરંત જ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ટેસ્ટના પરિણામો સામે આવ્યા બાદ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ (Union Civil Aviation Minister K. Rammohan Naidu) એ એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન (Campbell Wilson) અને ટોચના ફ્લાઈટ સેફ્ટી એક્ઝિક્યુટિવ્સને ઘટનાની સમીક્ષા કરવા મંત્રાલયના મુખ્ય મથકે બોલાવ્યા હતા. સરકારે એરલાઈન સંસ્થાને ચેતવણી આપી હતી અને DGCA ને સાયકોએક્ટિવ પદાર્થોના પરીક્ષણ માટેના વૈશ્વિક નિયમોનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો હતો જેથી ભારતના વર્તમાન નિયમોને વધુ કડક બનાવી શકાય.
મંત્રી નાયડુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એવિએશન સેફ્ટી સાથે કોઈ પણ સમાધાન થઈ શકે નહીં. જો વર્તમાન ફ્રેમવર્ક અપૂરતું જણાશે તો સરકાર પ્રવર્તમાન નિયમોમાં સુધારો કરવા તૈયાર છે. વર્તમાન DGCA સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (Civil Aviation Requirements - CAR) મુજબ, સાયકોએક્ટિવ પદાર્થો માટે પ્રથમ વખત પોઝિટિવ ટેસ્ટ આવવા પર પાયલોટે ડ્યુટી પર પરત ફરતા પહેલા ફરજિયાત રિહેબિલિટેશનમાંથી પસાર થવું પડે છે, જ્યારે વારંવારના નિયમ ભંગ પર લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવે છે.
ડ્રગ ટેસ્ટિંગની તપાસ સાથે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau - AAIB) વિમાન અચાનક નીચે ખાબકવાના ચોક્કસ કારણની પુષ્ટિ કરવા માટે વ્યાપક તપાસ કરી રહ્યું છે. કો-પાયલોટના ડિફેક્ટ રિપોર્ટ સૂચવે છે કે વિમાન નીચે ખાબક્યાના થોડા સમય પહેલાં તેમાં ઓટોપાયલોટ ડિસકનેક્ટ, સ્ટોલ વોર્નિંગ્સ અને ત્રિપલ હાઇડ્રોલિક સમસ્યાઓ સહિતની અનેક ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી.
ફ્રાન્સના બ્યુરો ડી`એન્ક્વેટ્સ એેટ ડી`એનાલિસિસ (BEA) અને એરબસની ટેકનિકલ ટીમોની મદદથી, AAIB ટેકનિકલ, ઓપરેશનલ, મેન્ટેનન્સ અને મેડિકલ પુરાવાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું હતું કે, વ્યાપક ટેકનિકલ અને માનવ-પરિબળોની તપાસ ચાલુ હોવાથી માત્ર ડ્રગ ટેસ્ટના પરિણામને જ ઘટનાનું એકમાત્ર કારણ ગણવું ઉતાવળિયું ગણાશે.