28 March, 2025 12:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર સહકારી ટૅક્સી સર્વિસ શરૂ કરશે. બુધવારે સંસદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારપ્રધાન અમિત શાહે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે ભારત સરકાર આવતા મહિનાઓમાં ઉબર અને ઓલા જેવી ઑનલાઇન કૅબ સેવાઓ માટે સહકારી રીતે સંચાલિત વિકલ્પો રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે ‘સહકારી ટૅક્સી સેવામાં ટૂ-વ્હીલર ટૅક્સી, ઑટોરિક્ષા અને ફોર-વ્હીલર સહિત વિવિધ પરિવહન વિકલ્પોનો સમાવેશ થશે. ખાનગી કંપનીમાં નફો મોટા ભાગે વ્યવસાય-માલિકોને પહોંચે છે. આ સહકારી મૉડલમાં આવક સીધી ડ્રાઇવરો સુધી પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સહકાર દ્વારા સમૃદ્ધિનું વિઝન માત્ર એક સૂત્ર નથી પરંતુ એક મિશન છે જેને સરકાર ઝડપથી આગળ વધારી રહી છે. તેમના નેતૃત્વમાં સહકાર મંત્રાલય છેલ્લાં સાડાત્રણ વર્ષથી આ વિઝનને સાકાર કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યું છે.’