પહેલી વાર નોકરી કરનારાઓને એક મહિનાનો પગાર એક્સ્ટ્રા મળશે

03 July, 2025 06:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય પ્રધાનમંડળની મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય પ્રધાનમંડળે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના એમ્પ્લૉયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) સ્કીમને મંજૂરી આપી છે, જે તમામ ક્ષેત્રોમાં અને ખાસ કરીને ઉત્પાદનક્ષેત્રમાં રોજગાર-નિર્માણ, રોજગારક્ષમતા અને સામાજિક સુરક્ષાને ટેકો આપશે. આ યોજના હેઠળ પહેલી વાર નોકરી કરનારા કર્મચારીઓને ૧૫,૦૦૦ રૂપિયા સુધીનો એક મહિનાનો EPF પગાર આપવામાં આવશે. આ યોજનાના લાભો પહેલી ઑગસ્ટ ૨૦૨૫ અને ૩૧ જુલાઈ ૨૦૨૭ વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.

આ સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં એક મીડિયા બ્રીફિંગમાં જાહેરાત કરતાં કહ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનમંડળે ગઈ કાલે અનેક યોજનાઓને મંજૂરી આપી છે જેમાં ૧.૦૭ લાખ કરોડ રૂપિયાની મહત્ત્વપૂર્ણ ELI સ્કીમનો સમાવેશ થાય છે.

આ યોજના હેઠળ પહેલી વાર નોકરી પર આવનારા કર્મચારીઓને એક મહિનાનો પગાર મળશે. વધુમાં સરકાર નોકરીદાતાઓને નવી રોજગારીનું સર્જન કરવા પર બે વર્ષ માટે પ્રોત્સાહન આપશે, જે ઉત્પાદનક્ષેત્ર માટે બીજાં બે વર્ષ માટે લાભો આપશે.

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-’૨૫માં મૂળ રૂપે ઔપચારિક રોજગારને વેગ આપવા માટે ELI સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. એ નોકરીદાતાઓ અને પહેલી વાર નોકરી પર આવનારા કર્મચારીઓ બન્નેને નાણાકીય સહાય આપે છે. આ લાભો મેળવવા માટે કર્મચારીઓએ એમ્પ્લૉયમેન્ટ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO)માં નોંધણી કરાવવી અને આધાર-બૅન્કસીડિંગ આવશ્યકતાઓ પૂરી કરવી જરૂરી છે.

૯૯,૪૪૬ કરોડ રૂપિયાના ખર્ચ સાથેની ELI યોજનાનો હેતુ બે વર્ષમાં દેશભરમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું છે. આમાંથી ૧.૯૨ કરોડ લાભાર્થીઓ એવા લોકો હશે જેઓ પહેલી વાર નોકરી કરતા હશે.

national news news new delhi ashwini vaishnaw jobs jobs in india