04 September, 2025 07:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક પછી ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ.
ગઈ કાલે GST કાઉન્સિલની ૫૬મી બેઠક મળી હતી, જેમાં નવા સુધારા સાથે હવે માત્ર પાંચ અને ૧૮ ટકાના બે સ્લૅબના માળખાને મંજૂરી આપવામાં આવી હતી. આ નવા સુધારા આગામી ૨૨ સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી લાગુ થઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટે તેમના ભાષણમાં કહ્યું હતું કે સરકાર GSTમાં સુધારા કરીને લોકોને રાહત આપવાની છે, એ પ્રોમિસ પાળ્યું છે. હવે ૧૨ અને ૧૮ ટકાના સ્લૅબ દૂર થઈ જતાં ૯૯ ટકા ચીજવસ્તુઓ પર ટૅક્સનો ભાર ૭થી ૧૨ ટકા જેટલો ઘટી જશે.
કેન્દ્રીય ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અનેક પ્રસ્તાવોને માન્ય કરવામાં આવ્યા હતા, જેમાં જૂના બે સ્લૅબ ૧૨ અને ૧૮ ટકાના સ્લૅબને દૂર કરીને માત્ર બે સ્લૅબના માળખાને સ્વીકારવામાં આવ્યું. એનાથી હવે મોટા ભાગની તમામ ચીજવસ્તુઓ પાંચ અને ૧૮ ટકાના બે સ્લૅબમાં આવરી લેવામાં આવશે. અલબત્ત, અમુક લક્ઝુરિયસ ચીજવસ્તુઓ માટે ૪૦ ટકાનો વિશેષ સ્લૅબ રાખવામાં આવ્યો છે જેમાં પાનમસાલા, સિગારેટ, બીડી, ગુટકા સહિતની ચીજવસ્તુઓ ઉપરાંત ફ્લેવર્ડ કાર્બોનેટેડ પીણાંઓને પણ સમાવવામાં આવ્યાં છે. નવા સુધારામાં ૩૩ જીવનરક્ષક દવાઓને GSTના કરમાળખામાંથી મુક્ત કરવામાં આવી છે, જેમાં ત્રણ કૅન્સરની દવાઓ પણ છે. અભ્યાસ માટેના નકશા, ચાર્ટ્સ, પૃથ્વીના ગોળા, પેન્સિલ, શાર્પનર, રંગો, નોટબુક્સ વગેરે પર અત્યારે ૧૨ ટકા GST લાગુ છે એ ઝીરો થઈ જશે.
અભ્યાસ માટેના નકશા, ચાર્ટ્સ, પૃથ્વીના ગોળા, પેન્સિલ, શાર્પનર, રંગો, નોટબુક્સ વગેરે પર અત્યારે ૧૨ ટકા GST લાગુ છે એ ઝીરો થઈ જશે.
આ વસ્તુઓ થશે ૧૦ ટકા સસ્તી
કાર, મોટરસાઇકલ, ઍર કન્ડિશનર, ટેલિવિઝન, પ્રોજેક્ટર્સ અને મૉનિટર્સ, વાસણ ધોવાનું મશીન વગેરે પર અત્યારે ૨૮ ટકા GST અમલમાં છે એ ઘટીને ૧૮ ટકા થઈ જશે. એને લીધે આ ચીજવસ્તુઓના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થશે.
ખેડૂતોને થશે ફાયદો
ટ્રૅક્ટર, અમુક બાયો-પેસ્ટિસાઇડ્સ અને સીંચાઈનો સામાન, ખેતી માટેની મશીનરીઓ વગેરે પણ ૧૨ ટકાના સ્લૅબમાંથી પાંચ ટકાના સ્લૅબમાં આવી જતાં ખેડૂતોને ઘણી રાહત મળશે.
ઇન્શ્યૉરન્સ પર ઝીરો ટૅક્સ
હેલ્થ અને લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી પર અત્યાર સુધી ૧૮ ટકા ટૅક્સ લાગતો હતો એ હવે ઝીરો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત થર્મોમીટર, ગ્લુકોમીટર અને અન્ય કેટલાંક મેડિકલ ઉપકરણો પર પણ ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા GST કરી દેવામાં આવ્યો છે.
પાંચ ટકાના સ્લૅબમાં ઘરવપરાશની વસ્તુઓ
શૅમ્પૂ, હૅરઑઇલ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ ઘી, ચીઝ, બટર, વાસણો ફીડિંગ બૉટલ, નૅપ્કિન અને બેબી-ડાઇપર વગેરે ૧૮ અને ૧૨ ટકાથી પાંચ ટકાના સ્લૅબમાં આવી