IPS અધિકારીના અપઘાત અને ભ્રષ્ટાચાર કેસની તપાસ કરી રહેલા ASI એ પણ જીવન ટૂંકાવ્યું

14 October, 2025 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૃતકની ઓળખ સંદીપ કુમાર તરીકે થઈ છે. સંદીપ રોહતકના સાયબર સેલમાં અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોસ્ટેડ હતા, અને વાય પૂરણ કુમાર સામે ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહ્યા હતા. તેમણે એક સુસાઇડ નોટમાં કહ્યું છે કે તેઓ ‘સત્ય’ માટે પોતાનો જીવ આપી રહ્યા છે.

મૃતક IPS અધિકારી વાય પૂરણ કુમાર અને ASI અધિકારી સંદીપ કુમાર

હરિયાણામાં ગયા અઠવાડિયે IPS અધિકારી વાય પૂરણ કુમારે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાથી દેશના રાજકારણમાં પણ મોટી ચર્ચા શરૂ થઈ હતી અને તપાસ મામલે વિવાદ શરૂ થયો હતો. જોકે હવે આ IPS અધિકારીના મોત અને ભ્રષ્ટાચાર કેસે એક અણધાર્યો વળાંક લીધો છે. કારણ કે આ કેસની તપાસ કરનાર અધિકારીએ જ પોતાને જ ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે અને આ સાથે તેમણે ત્રણ પાનાની નોંધ લખી IPS અધિકારી વાય પૂરણ કુમારને તેમની મોતના દોષી ઠેરવ્યા છે.

મૃતકની ઓળખ સંદીપ કુમાર તરીકે થઈ છે. સંદીપ રોહતકના સાયબર સેલમાં અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોસ્ટેડ હતા, અને વાય પૂરણ કુમાર સામે ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહ્યા હતા. તેમણે એક સુસાઇડ નોટમાં કહ્યું છે કે તેઓ ‘સત્ય’ માટે પોતાનો જીવ આપી રહ્યા છે. સંદીપે તેતાની સુસાઇડ નોટમાં દાવો કર્યો છે કે વાય પૂરણ કુમાર એક ‘ભ્રષ્ટ પોલીસ’ હતા અને જ્યારે તેમને ડર હતો કે તેમનો કથિત ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જશે ત્યારે તેમણે આત્મહત્યા કરી હતી. સંદીપે તેમના નિવેદનનો છેલ્લો વીડિયો પણ શૂટ કર્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે પોસ્ટ કરેલા આ વીડિયો અને નોંધની સત્યતા તાત્કાલિક ચકાસી શકાઈ નથી, જોકે આ મામલે વધુ તપાસ શરૂ છે.

"તેમના ભ્રષ્ટાચારના મૂળ ખૂબ ઊંડાણમાં ફેલાયેલા છે. તેમણે તેમની સામેની ફરિયાદના ડરથી આત્મહત્યા કરી છે," સંદીપે કહ્યું. "વાય. પૂરણ કુમારે જાતિવાદનો આશરો લઈને સિસ્ટમને હાઇજૅક કરી હતી," સંદીપે આરોપ લગાવ્યો. "હું મારી શહાદત આપીને તપાસની માગ કરી રહ્યો છું, આ ભ્રષ્ટ પરિવારને બક્ષવામાં ન આવે," સંદીપે ઉમેર્યું. આ ઘટના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પૂરણ કુમારની પત્ની અને પુત્રીઓને મળ્યાના થોડા કલાકો પછી બની હતી.

આ ઘટનાને એક દુર્ઘટના અને સંવેદનશીલ બાબત ગણાવતા, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીને પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા અને હરિયાણાના IPS અધિકારી વાય. પૂરણ કુમાર સાથે જાતિ આધારિત ભેદભાવ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેમણે 7 ઑક્ટોબરના રોજ ચંદીગઢમાં આત્મહત્યા કરી હતી. પૂરણ કુમારે ગયા મંગળવારે તેમના ચંદીગઢ નિવાસસ્થાને આત્મહત્યા કરતાં મૃત્યુ થયું હતું. વાય પુરાણ કુમારે તેમની નોંધમાં 16 વરિષ્ઠ IAS અને IPS અધિકારીઓના નામ આપ્યા હતા, જેમાં ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને આ આત્યંતિક પગલું ભરવાના તેમના નિર્ણય માટે તેમને સીધા જવાબદાર ઠેરવ્યા હતા.

haryana suicide rahul gandhi national news chandigarh