04 July, 2025 08:31 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનમાં મેઘરાજાનું તાંડવ
રાજસ્થાનમાં આ વર્ષે બીજી જૂનથી ચોમાસું બેસી ગયું હતું અને જૂન મહિનામાં જ ૧૨૮ ગણો વરસાદ પડી ચૂક્યો હતો. બીજી જુલાઈએ શરૂ થયેલા વરસાદના સેકન્ડ રાઉન્ડમાં રાજસ્થાનના કોટા, બાંરા, બુંદી અને ઝાલાવાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી અને નાળાં છલકાઈને ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં. ગઈ કાલે તો વરસાદનું તાંડવ જોવા મળ્યું હતું અને અનેક ગામોનો મુખ્ય શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેજ વરસાદને કારણે સ્કૂટી, બાઇક અને ગાડીઓ પાણીમાં વહી ગયાં હતાં. ચંબલ નદી પર બનેલા બંધના આઠ ગેટ ખોલીને ૧ લાખ ૩૬ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એને કારણે નીચલા વિસ્તારોમાં જળભરાવ થયો હતો.
વરસાદને કારણે ઝાલાવાડા-બારામેગા હાઇવે પાંચ કલાક બંધ રહ્યો હતો એને કારણે લાંબો ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ખાનપુર પાસે આવેલું ગોલાણા ગામ આખું જળમગ્ન થઈ ગયું હતું. અહીંની મુખ્ય બજારોમાં પણ બેથી પાંચ ફુટ પાણી ભરાઈ ગયાં હતાં.
મોસમ વિભાગે ત્રીજી જુલાઈથી ૪ દિવસ માટે એટલે કે છ જુલાઈ સુધી અહીં અતિભારે વરસાદની અલર્ટ બહાર પાડી છે.